ગોચરમાં ઘાસ

– રમેશચંદ્ર સુથાર
(સાદર ઋણસ્વીકારઃ શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, માંડવી-કચ્છ દ્વારા પ્રકાશિત વિવેકગ્રામમાંથી)

ગોચર અથવા ગૌચરને ગામડામાં ચરો પણ કહે છે. આ શબ્દમાં જ તેનો અર્થ સમાયેલો છે. ગૌ એટલે કે ગાય અને તેને ચરવાની જમીન એટલે જ ગોચર.

આપણું રાષ્ટ્ર ગ્રામ્ય સંસ્કૃતિ પર આધારિત છે. કારણ કે રાષ્ટ્રનો મોટો હિસ્સો ગામડાઓ પર આધારિત છે અને ગામડાનું જીવન ખેતી અને પશુપાલન ઉપર આધારિત હોય છે. ગામના આ પશુઓને ઘાસચારાની તંગી ન પડે એટલે દરેક ગામમાં ગોચરની અલગ જમીન ફાળવવામાં આવેલી છે. પહેલાં આ જમીનમાં રોજ ગામમાંથી ગોરી (પશુધણ) છૂટતું અને ગૌચરમાં ચરતું હતું, પરંતુ દિવસે દિવસે આધુનિકરણ થતાં ગોચરની જમીનોનો દૂરૂપયોગ થવા લાગ્યો. ક્યાંક આ જમીનમાં કારખાના બન્યા તો ક્યાંય રહેઠાણના આવાસો.

પેટલાદથી પાંચ-સાત કિલોમીટર દૂર એક ગામ આવેલું છે-ધર્મજ. આમ તો ઘણી બધી બાબતોમાં ધર્મજ નામ કમાઈ ચૂક્યું છે, જેમ કે, હમણાં જ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધર્મજમાં રાજ્યના પ્રથમ હાઈવે હારની વિધિવત્ ઉદઘાટનવિધિ કરી છે. આ ધર્મજ ગામને પોતાની ઘણી બધી ગૌચરની જમીન હતી. તેનો દૂરૂપયોગ થાય તે પહેલાં જ તેના દીર્ઘદ્રષ્ટા ગ્રામજનો જાગી ગયા છે. અને અનેકવિધ ઉપયોગો હાથ ધર્યા છે.

કડાણા ડેમ પ્રોજેક્ટના બુલડોઝરો 1971ની સાલમાં નવરા પડવાથી તત્કાલીન સરકારે જે કોઈ ગામની પંચાયતો પોતાની જમીન લેવલીંગ કરાવવા ઈચ્છતી હોય તેને રસ્તા દરે લેવલીંગ કરી આપવાનો એક પ્રોજક્ટ જાહેર કર્યો. આ તકનો લાભ લેવાનું ગામના અગ્રણીઓએ નિરધાર કર્યો, કારણ કે આમ તો છેલ્લા 10 વર્ષથી ગામના એક એગ્રણી જશભાઈબાપુ ગૌચર જમીનમાં કંઈક સર્જનાત્મક કામગીરી કરવા વિચારી રહ્યા હતા અને આ માટે તેઓએ તત્કાલીન ગ્રામ પંચાયત સમક્ષ પ્રોજક્ટ પણ રજુ કર્યો હતો. પરંતુ ત્યારના સરપંચને તે અશક્ય લાગતાં તેમણે તેમાં વિશેષ રસ ના લીધો જેથી જશભાઈના મનમાં આ પ્રોજેક્ટ ફ્રીજ થઈને જ પડ્યો હતો અને તેમાં સરકારની સસ્તા દરે બુલડોઝરથી જમીન લેવલીંગ કરી આપવાની યોજનાની જાણ થતાં જ જશભાઈએ તેનો લાભ લેવાનો નિરધાર કર્યો.

તે વખતે ગામના સરપંચ હતા ચીમનભાઈ, જે સાયન્સ ગ્રેજ્યુએટ અને દીર્ઘદ્રષ્ટા હતા, તેમણે જશભાઈની યોજનામાં પૂરતો રસ લીધો, ત્યારબાદ આ પ્રોજેક્ટમાં ત્રીજા ભળ્યા ખ્યાતનામ ‘ઈપ્કો’વાળા ઈન્દુકાકા. આ ત્રિપુટીએ નક્કી કર્યું કે ગમે તે થાય ગામની ગોચરની જમીનને સમતળ લેવલીંગ કરીને તેમાં બની શકે તો સરસ સ્વીમીંગ પુલથી માંડીને વિવિધ યોજનાઓ હાથ ધરી ગોચરની જમીનનો સદઉપયોગ કરવો કે જેથી ગામના અનેક લોકોને તેનો લાભ થાય.

ગામની કુલ 143 એકર ગૌચરની એક સાથેની સળંગ એક પ્લોટમાં જમીન હતી. આ જમીનને સૌ પ્રથમ તો સમતળ બનાવી અને પછી તેમાં ગ્રામ પંચાયતે ઘાસ ઉછેરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો. જેનો મુખ્ય ઉદ્દેશ ગામના જ નિરાધાર (જમીન વિહોણા) પશુપાલકોને સસ્તા દરે પશુ ઘાસ પૂરૂં પાડવું. આ માટે ગામના જ કોઈ પણ માણસે પંચાયત ઓફિસમાં જઈ સીત્તેર રૂપિયાની 10 ટિકિટની એક ચોપડી ખરીદવાની રહે છે. એક ટિકિટ દીઠ 20 કિલો ઘાસ મળે એટલે 70 રૂપિયામાં 200 કિલો ઘાસ મળે. અન્યત્ર જ્યાં 15 થી 20 રૂપિયામાં 20 કિલો લીલું ઘાસ મળે છે ત્યારે ગામના નાગરિકોને 7 રૂપિયામાં 20 કિલો ઘાસ અને તે પણ ઘેર બેઠાં પૂરૂં પાડવામાં આવે છે. પંચાયત દ્વારા આ જમીનમાં ગજરાજ, મકાઈ, જુવાર, ઘાસની બાજરી જેવી વિવિધ જાતના પશુ ઘાસચારો ઉગાડવામાં આવે છે અને ગામના નાગરિકોને ઘેર બેઠાં પહોચાડવામાં આવે છે. આ માટે એક ટ્રેક્ટર પણ બેંક લોનથી ખરીદવામાં આવેલ છે.

ફલસ્વરૂપ આજે 36 એકરમાં ગજરાજ, 10 એકરમાં જુવાર, 8 એકરમાં મકાઈ, 8 એકરમાં ઘાસ બાજરી કરવામાં આવેલ છે. જ્યારે 20 એકરમાં વાડી કરવામાં આવેલ છે જેમાં 350 આંબા. 100 આંબલી મળી વિવિધ જાતના 10,000 જેટલાં વૃક્ષો ઉછેરવામાં આવેલ છે. આ તમામને પાણી (સિંચાઈ) પૂરૂં પાડવામાં માટે બે બોર બનાવવામાં આવેલા છે. જે દ્વારા ગૌચરની તથા તે સિવાયની આજુબાજુની જમીનોને સિંસાઈ પૂરી પાડવામાં આવે છે અને જેના પરિણામે પંચાયતને સરસ આવક થાય છે. જેનો છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઈએ તો સને 2001માં રૂ.3,64,770/-, સને 2002માં રૂ.3,53,710/- અને છેલ્લે હાલની સને 2003ના પૂરા થતા વર્ષની આવક રૂ.4,70,820/-ની થઈ હતી અને તે પણ માત્ર 7 રૂપિયે 20 કિલો ઘાસ પૂરૂં પાડવાની જ આવક છે.

આ સિવાય સદર જમીનમાં એક સરસ વોટરપાર્ક બનાવવામાં આવ્યો છે, જેનું નામ ‘સુરજબા પાર્ક’ રાખેલ છે. આ પાર્કમાં બોટીંગ વ્યવસ્થા (રૂ.5) સ્વીમીંગ વ્યવસ્થા (રૂ.3) પાણીના ભૂંગળામાં થઈને લપસવાની વ્યવસ્થા (રૂ.5)ના દરથી તથા આ સિવાય આજુબાજુ હરવા ફરવાની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. માત્ર રૂ.1/-ની પ્રવેશ ટિકિટ મેળવી અંદર હરીફરી એક સરસ બાળકોને ખુશ કરવાની જગ્યા વિકસાવવામાં આવેલ છે. એક અંદાજ મુજબ વરસે એકાદ લાખ લોકો આ પાર્કની મુલાકાત લે છે. (મેં પણ બાળકો સાથે ઘણીવાર મુલાકાત લીધી છે.) આ પાર્કનો મેન્ટેનન્સ ખર્ચ વરસે આશરે બે લાખ રૂપિયા આવે છે, જે ‘ઈન્દુભાઈ મગનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રાસ્ટ’ તથા ‘જશભાઈ ગોરધનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ’ સંયુક્ત ધોરણે ઉપાડી લે છે, જ્યારે પાર્કની આવક ગ્રામ પંચાયતમાં જમા કરવામાં આવે છે. આ પાર્કમા આ ઉપરાંત રહી શકાય તેવા સુંદર કોટેજ પણ બનાવવામાં આવેલ છે અને હજી પણ પ્રતિદિન તેમાં નવા નજરાણાં ઉમેરાતા જ રહે છે.

આ ઉપરાંત સદર ગોચર જમીનમાં ‘ઈપ્કોવાલા સંતરામ આયુર્વેદિક જ્ઞાનવન’ વિકસાવવામાં આવેલું છે. આ બાગમાં 120 જેટલી આયુર્વેદિક વનસ્પતિઓનું પ્લાન્ટેશન કરવામાં આવેલ છે. જેનો વિકાસ નડિયાદ સંતરામ મહારાજ સંસ્થા તથા ‘વિકસત’ અને ‘સેન્ટ્રલ ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન’ જેવી સંસ્થાઓના સહયોગથી દિન-બ-દિન વધુ ને વધુ વિકાસ કરી રહેલ છે.

આના અનેકવિધ લાભો પ્રાપ્ત થઈ રહેલ છે. જેમ કે-
– પંચાયતને સરસ આવક થાય છે.
– ગામના જ જમીન વિહોણા પશુપાલકોને ઘેર બેઠા પશુ ઘાસ પ્રાપ્ત થાય છે.
– એકદમ વ્યાજબી ભાવે તમામને ઘાસ મળી રહે છે.
– ગામમાં એક હરવા-ફરવાનું અને સ્વીમીંગ સ્થળ વિકાસ પામેલ છે.
– આયુર્વેદિક વનસ્પતિઓનો ઉછેર અને વિકાસ થાય છે.
– ગામની વેસ્ટ (પડતર) ગોચર જમીનનો દૂરૂપયોગ થતો અટકે છે.

અને આ તમામની વિશેષતા એટલી જ છે કે ગામના જ લોકો દ્વારા તેનો વિકાસ કરવામાં આવેલ છે.

સંપર્કસૂત્રઃ

શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ,

નાગરપુર રોડ, માંડવી-કચ્છ-370 465

ફોનઃ 02834-223253, 223934