નર્મદાસાબર સંગમઃ અદભુત ઈજનેરી કૌશલ્ય

સાદર ઋણસ્વીકારઃ ‘મુંબઈ સમાચાર’ દૈનિક

શૈલેશ રાવલ

સાબરમતી અને નર્મદા નદીનો સંગમ થાય એ વાત ભૌગોલિક નિયમ પ્રમાણે સદંતર ખોટી કહેવાય, છતાં આધુનિક ઈજનેરી યુગમાં આ વાક્ય ‘સત્ય’ છે. હા, નર્મદા અને સાબરમતીનો સંગમ ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે થાય છે. તે સ્થળેથી સાબરમતીનું નવું નામ ‘નર્મદાસાબર’ રાખીએ તો ખોટું શું…?

સાબરનર્મદાનો આ નવતર ભગીરથ સંગમ પ્રયોગ એક કુતૂહલ છે. નર્મદા યોજનાની મુખ્ય કેનાલ ગુજરાતની અનેક નાનીમોટી નદીઓને અંડોળે છે. ક્યાંક ઉપરથી તો ક્યાંક નીચેથી સાબરમતી જેટલો વિશાળ પટ આ કેનાલ નીચેથી અંડોળે છે. એટલે કે સાબરમતીના તટની નીચેથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય. આ વાત હવાઈનિરીક્ષણથી જ બરાબર સમજી શકાય.

મુખ્યત્વે સાવ કોરી રહેલી સાબરમતીમાં રાજસ્થાનના ઉપરવાસમાં અરવલ્લીની હારમાળાઓમાં વધારે વરસાદ પડે ત્યારે ચોમાસામાં થોડાક કલાકો કે એકાદ બે દિવસ અમદાવાદીઓને સાબરમતીમાં પાણી જોવા મળતું હતું. તેને બદલે આજે નર્મદા યોજનાના લાભથી અમદાવાદ આવતી કાલનું પેરિસ બની રહ્યું છે.

રિવરફ્રન્ટ યોજના અંતર્ગત મુખ્ય નહેરમાંથી સાબરમતીમાં નર્મદાનું પાણી મળવાથી અમદાવાદનાં પાણીનાં તળ ઊંચાં આવ્યાં છે. શહેર સુંદર રૂપ ધારણ કરવા લાગ્યું છે. ટેક્નિકલ ભાષામાં નદીની નીચેથી નહેર નીકળે છે તેને સાબરમતી સાયફન કહેવામાં આવે છે. એક દિવસની પિકનિક માટે ભવિષ્યનું આ ઉત્તમ સ્થળ છે. મુખ્ય નહેર પર નાનકડા ડેમ જેટલા દરવાજા મૂકી જરૂરિયાત પ્રમાણે સાબરમતીમાં પાણી છોડવામાં આવે છે.

૨૫૦ મીટર પહોળી અને ૨૫ ફૂટ ઊંડી આખેઆખી કેનાલ નદીની નીચેથી પસાર થઈ સામે છેડે બહાર નીકળે તે ઈજનેરી કૌશલ્ય માણવા જેવું છે. બે નદીઓનો મેળાપ પવિત્ર લેખાય છે તે દ્રષ્ટિએ પણ આ સ્થળ પ્રવાસસ્થળ તરીકે વિકાસપથ પર છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સ્થળ સુધી લોકલ બસસેવા શરૂ કરવામાં આવે તો અમદાવાદીઓને એક વધારાનું પ્રવાસસ્થળ મળી શકે તેમ છે. ઈન્ટ્રોડાપાર્ક જેવો વિશાળ પાર્ક ઊભો કરવામાં આવે તો બાળકોનો પ્રકૃતિપ્રેમ કેળવાય તે વધારાનો ફાયદો.

નર્મદા યોજનાની મુખ્ય કેનાલ પાંચસો કિલોમીટરની લંબાઈ ધરાવે છે જેને કારણે રાજસ્થાનના ત્રણ જિલ્લાને પાણી પહોંચે છે. આ પાંચસો કિલોમીટરના રસ્તા પર આવતાં કૌતુકોમાંથી મુખ્ય કૌતુક ગણાતું આ સાબરમતી સાયફનનું અવકાશી દ્રશ્ય અતિમનોહર છે. મહાનગર તરીકે વિકસતા અમદાવાદનું આ પ્રથમ કક્ષાનું ભાવિ પર્યટક સ્થળ બની રહેશે.