મહિલા અને જમીન માલિકી

– ફાલ્ગુની જાડેજા (સ્વાતિ સંસ્થાનાં કાર્યકર)

(સાદર ઋણસ્વીકાર : પંચાયત સહેલીમાંથી)

‘મહિલા અને જમીન માલિકી’ વાક્ય માટે કદાચ મનમાં પ્રશ્ન થાય કે બહેનોના નામે જમીન હોવી જોઈએ કે નહિ ? તમે કહેશો કે હોવી જ જોઈએ. પણ કેટલાક રૂઢિચૂસ્તો આ પ્રશ્નને આશ્ચર્યથી જુઓ છે. પરંતુ બહેનો, પુરુષપ્રધાન સમાજના બંધનો તોડવા બહેનો હવે સક્ષમ બની છે. તેમની સામે સંઘર્ષ કરીને બહેનોના સફળતા મેળવી ચૂક્યાના દાખલા આપણી સમક્ષ છે.

સામાન્ય રીતે ભારત એક ખેતીપ્રધાન દેશ છે જ્યાં સ્ત્રી મજૂરોમાંથી 78 ટકા સ્ત્રીઓ ખેતી આધારિત કામોમાં રોકાયેલી હોવા છતાં તેમના નામે ફક્ત 10 ટકા જમીન જ હોય છે. તેમાં પણ 41 ટકા જમીન સ્ત્રીને વિધવા હોવાના કારણે આપવામાં આવે છે.

જમીન ધારકોના વિષેના એક અભ્યાસ મુજબ 2607 કિસ્સામાં જમીન માલિકી પુરૂષો અને 298 કિસ્સામાં સ્ત્રીઓની માલિકી હતી. આનું કારણ વંશપરંપરાગત ચાલી આવતી પ્રણાલિકા છે. જો સ્ત્રઓ પણ પુરૂષોની જેમ ખેતરમાં સતત કામ કરતી હોય તો તેમના નામે જમીન થવી જઈએ કે નહીં ?

આપણા ખેતી પ્રાધાન દેશમાં ખેડવા લાયક જમીન એ સૌથી મૂલ્યવાન મિલકત અને ઉત્પાદન સંસધાન ગણાય છે. મોટાભાગના ગ્રામીણ પરિવારો માટે જમીન એ ગરીબી સામે ટકી રહેવા માટેનું મુખ્ય સલામત સાધન છે. જે તેમને મુશ્કેલ સમયમાં આજીવિકા પૂરી પાડે છે. ક્વે પરંપરાગત રીતે જોઈએ તો જમીન એ એક રાજકીય સત્તા અને સામાજિક વર્ચસ્વનું પ્રતિક ગણાય છે. આ જમીન ઉપર પુરૂષોનો જ અધિકાર જોવા મળે છે. બહેનો માટે જમીન પરના અધિકારોના મુદ્દાને હજી અવગણવામાં આવે છે. સ્ત્રીઓ પાસે ખેતીમાં કામ કરાવાય છે પરંતુ તેની પાસે ખેતી લાયક જમીન નથી. અને જમીન પરનો અંકુશ તો બિલકુલ નથી.

આ મુદ્દાને ચળવળરૂપે ઉપાડવા ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્રે કાર્યરત 17 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓએ સાથે મળીને ‘સ્ત્રી અને જમીન માલિકી’ માટેના કાર્યકારી જૂથની રચના કરી છે. આ જૂથની સભ્ય સંસ્થઓ બહેનોના જમીન અધિકાર મેળવવા માટે અલગ અલગ પ્રકારે સંઘર્ષ કરી રહી છે. પછી તે સાસરિયા સામે હોય, પંચાયત સામે હોય કે સમાજ સામે. ગમે તેવા સંઘર્ષ કરવા પડે પણ બહેનો જમીન માલિકી મેળવવા તૈયાર થઈ છે અને મેળવી પણ હોય તેવા નકકર દાખલા આપણી સામે છે.

કચ્છના ઝરપરા ગામના સરપંચ બહેન તેમના પતિ સામે પાંચ વર્ષ કાનૂની લડત આપી જમીનના માલિક બન્યા, જસદણ તાલુકાના વિછીયા ગામના ગંગાબેન પડતર જમીન માટે કેસ કરી જમીન છોડાવી જિંદગી બચાવી શક્યા, આવા તો અનેક કિસ્સા સંઘર્ષ સામે સફળતા મેળવી હોય તેવા છે. ઉપરાંત હાલમાં સંઘર્ષ ચાલુ હોય તેવા કિસ્સા પણ અનેક છે.

આપણા સમાજમાં સ્ત્રીઓ ખેતીની વ્યવસ્થા અને કુટુંબને પણ સંભાળતી હોય છે. ઘરના વડા તરીકે ગણાતા પુરૂષો જ્યારે બહારગામ કામ માટે ગયા હોય ત્યારે સ્ત્રીઓ ખેતીના કામની જવાબદારીઓ પણ ઉઠાવે છે. પરંતુ જમીન ઉપર તેમનો માલિકી હક્ક ન હોવાથી તેમણે અનેક મુશ્કેલીઓ સહન કરવી પડે છે.

એક સામાન્ય હકીકત છે કે જેમની પાસે જમીન હોય એ પરિવારને ભૂખ્યા રહેવાનો વારો ભાગ્યે જ આવે. ભારતમાં અને વિશ્વમાં અન્ય અનેક દેશોમાં એવું જોવા મળ્યું છે કે સ્ત્રીઓ ખાસ કરીને ગરીબ પરિવારોની સ્ત્રીઓ ઘર જો તેમના અંકુશમાં હોય તો કમાણીનો મોટો ભાગ ઘરની પાયાની જરૂરિયાતો પાછળ ખર્ચીનાંખતી હોય છે. જ્યારે પુરૂષો કમાણીનો મોટો ભાગ તમાકુ, બીડી, દારૂ વગેરે પાછળ વેડફી નાખતા હોય છે. જેની બાળકો ઉપર ખરાબ અસરો પડતી હોય છે.

અન્ય વિસ્તારોની માહિતી જોઈએ તો હાલમાં નેપાળ જ એક એવો દેશ છે કે જ્યાં વસ્તી ગણતરી વખતે સ્ત્રી અને પુરૂષની જમીન માલિકીના આંકડા મેળવવામાં આવ્યા છે. જે મુજબ જમીન પર આધાર રાખતા લોકોમાં સ્ત્રીઓની સંખ્યા પુરૂષો કરતાં ઘણી વધારે છે. ભારતમાં પુરૂષો મજૂરોમાંના 58 ટકા પુરૂષો અને સ્ત્રી મજૂરોમાંથી 78 ટકા સ્ત્રીઓ ખેતી આધારિત વ્યવસાયોમાં રોકાયેલી છે. અને આ સ્થિતિ વધારે વિસ્તરતી જાય છે.

જે સ્ત્રીઓને તેમનો મિલકતમાં હક્ક મળ્યો ન હોય તે સ્ત્રીઓ પોતાના જ ભાઈ, જેઠ કે દિયરના ખેતરમાં કામ કરીને જીવન ગુજારતી હોય તેવું જોવા મળ્યું છે. સ્ત્રી વિધવા કે ત્યકતા બને તો ખુદના દિરકા કે ભાઈઓ પણ તેમને અપેક્ષા મુજબ આર્થિક સલામતિ આપતા નથી હોતા. વારસામાં થોડી ઘણીય મિલકત હોય તો તેને પણ સ્ત્રીઓના સગાઓ જ સંભાળતા હોય છે. જમીન માલિકીથી સ્ત્રીઓને સીધા અને આડકતરા બન્ને લાભ થતા હોય છે. પોતાની જમીનમાં અનાજ, વૃક્ષો, શાકભાજી, પશુઓ માટે ઘાસચારાનું વાવેતર તે સીધો લાભ છે અને આડકતરો લાભ એ છે કે જમીન ગીરવી મૂકીને ધિરાણ લઈ શકે. ઉપરાંત જમીનના વહીવટથી પણ આવક ઊભી કરી પૂરતી રોજગારી મેળવી શકે છે.

ટૂંકમાં સ્ત્રી પાસે પોતાની જમીનનો નાનકડો ટૂકડો પણ હોય તો તે આજીવિકાનું અગત્યનું સાધન બની શકે છે. જમીન માલિકીના કારણે સ્ત્રી પોતાની તેમજ પરિવારની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો લાવી શકે છે.