બાળકના સર્વાંગી વિકાસમાં વાલીની ભૂમિકા

ડો. પ્રવીણભાઈ શાહ

(સાદર ઋણસ્વીકાર : માતૃમહિમામાંથી)

 1. ઘર એ મકાન નથી. અનાથાશ્રમ નથી. વાત્સલ્ય ધામ છે. ઘરમાં બાળકોને વાત્સલ્યનો અહેસાસ થવા દઈએ.
 2. ઘરને બાલમંદિર બનાવીએ.
 3. બાળકોને અપેક્ષાઓના બોજ નીચે ન કચડીએ. ‘મારું બાળક દેખાવમાં સારું હોય, સ્માર્ટ હોય, ડાહ્યુંડમરું હોય, બુદ્ધિશક્તિમાં ચડિયાતું હોય, બીજા પાસે તેનો વટ પડે, બીજા બાળકથી મૂઠી ઊંચેરું હોય-એવી અપેક્ષાઓ ન રાખીએ. આવી અપેક્ષાઓ બાળકની અસલિયતના વિકાસમાં અવરોધક બને છે.
 4. બાળકના વર્તન-વ્યવહારનું નિયંત્રણ ભયથી ન કરીએ. પ્રેમ અને સ્વીકાર નિયંત્રણના ઉત્તમ રસ્તા છે.
 5. ઘરમાં બાળકો વચ્ચેના ઉછેરમાં સહેજ પણ પક્ષપાત ન રાખીએ. ઓછી શક્તિ ધરાવતાં બાળકો અંગે ચિંતાજનક વાતો ન કરીએ.
 6. બાળક પ્રત્યેના નકારાત્મક અભિગમથી બચીએ. આમ ન કર’, તેમ નહિ કહેતાં, કેમ કરવુંતે બતાવીએ.
 7. રોક-ટોક કે શિક્ષા ન કરીએ પરંતુ સ્વાતંત્ર્ય આપીએ.
 8. બાળકના સારા કામની અને પ્રત્યેક સફળતાની પ્રશંસા કરીએ, કદર કરીએ.
 9. બાળકના વ્યક્તિત્વને પૂર્ણ તરીકે સ્વીકારીએ.
 10. બીજા શું ધારશે ?’ એ ખ્યાલે બાળકના વર્તન વ્યવહારને ન ઘડીએ. શું ઇચ્છનીય છે તેને મહત્વ આપીએ.
 11. ઘરમાં થતા બીજા બાળજન્મને તેનાથી મોટેરા બાળકને સન્માન આપી ઊજવીએ. નવા બાળકને વધુ મહત્વ ન આપીએ.
 12. બાળકની અંત:તૃપ્તિ માટે પૂરતી તકો આપીએ.
 13. બાળકોને પુષ્કળ સમય આપીએ.
 14. બાળકને ઘરમાં સ્થાન આપીએ. તેની પસંદગીની પણ દરકાર કરીએ.
 15. તેની કુતૂહલવૃત્તિને સંતોષીએ, માર્ગ આપીએ, અવકાશ આપીએ, બાળકની જિજ્ઞાસાને થપ્પડ મળે છે ત્યારે તેની અંદરના એક નાનકડા વિજ્ઞાનીનું બાળમરણ થતું હોય છે.
 16. બાળકની હાજરીમાં બંને જણ (પતિ-પત્ની)નો ઝઘડો બાળકમાં ચિંતા અને બિનસલામતી પેદા કરે છે.
 17. બાળકના મિત્રોને ઘરમાં આવકારીએ.
 18. બાળકને માલિકીની વસ્તુ ન ગણીએ. તમે ઇચ્છો ત્યારે તેણે તે જ પ્રકારે કરવું જોઈએ તેવો આગ્રહ ન રાખીએ.
 19. બાળકને આપેલું વચન પાળીએ.
 20. બાળકને બધી જ વસ્તુઓ તુરત ન આપીએ, થોડો વિલંબ સહન કરતાં શીખવીએ.
 21. પ્રેમ અને લાડ વચ્ચેનો તફાવત સમજીએ. વધુ પડતાં લાડ લડાવવાનાં માઠાં પરિણામો સમજીએ.
 22. બાળક સાથેના વહેવારમાં જરૂર પડે ત્યાં દ્રઢતા રાખીએ. દ્રઢતા એ ક્રૂરતા નથી.
 23. બાળકોની સર્જકતાને સંકોરીએ. સર્જકતાની ક્ષણને પકડીએ.
 24. ધીરજ રાખીએ. બાળકનો ઉશ્કેરાટ કે કજિયો ઘડીકમાં શાંત પડી જતો હોય છે. તોફાન અને ઝઘડા પણ.
 25. ઘરનાં બે બાળકોના ઝઘડામાં વચ્ચે કૂદી ન પડીએ. તેમને તેમના અધિકાર માટે લડવા દઈએ. ઝઘડો તમારી કોર્ટમાં આવે ત્યારે ન્યામુક્ત ફેંસલો આપીએ.
 26. અન્યને મારતો અટકાવવા તેને મારીએ નહિ. જોરથી બોલતો તેને અટકાવવા આપણે રાડો પાડીએ નહિ. જે અટકાવવું છે તે કરવાથી આપણે અલગ રહીએ.
 27. બાળકોના આવવા જવા અંગે આપણે બહુ ચિંતા ન સેવીએ. ચિંતા અને કાળજી બંને અલગ બાબતો છે.
 28. બાળકની નિષ્ફળતાને ઉતારી ન પાડીએ. તે ભોંઠપ ન અનુભવે તેનું ધ્યાન રાખીએ. તે પોતાને હીન માનતો થઈ જાય તેવા વર્તન વ્યવહારથી દૂર રહીએ. તેની નિષ્ફળતાની ચર્ચા કરીએ, શું કરવું જોઈતું હતું તે અંગે ચર્ચા કરીએ.
 29. બાળક માંગે નહિ ત્યાં સુધી મદદ ન કરીએ. તેને સ્વાવલંબી બનવાની ઝંખના હોય છે. સમય બગડવાની બીકે તેનું કામ આપણે કરી ન આપીએ. તેના પોતાના કામાં થતો વિલંમ સહન કરીએ.
 30. બીજા સમવયસ્ક સાથીદારોની હાજરીમાં તેને ઉતારી ન પાડીએ.
 31. બાળક પરમાત્માની પ્રાસદી છે એમ માનીને તે જેવું છે તેવું સ્વીકારીએ.
 32. બાળકની નિષ્ફતા, વર્તન, વિકૃતિ માટે આપણે હંમેશાં આપણી જાતને દોષિત ન માનીએ. તેની પાછળ ઘણાં પરિબળો ભાગ ભજવતાં હોય છે.
 33. બાળકમાં શ્રદ્ધા રાખીએ. તેના આત્મવિશ્વાસને વધારવાનો એ ઉત્તમ માર્ગ છે.
 34. બાળકના પ્રત્યેક તોફાનને તોફાનનું લેબલ ન મારીએ. કેટલીક દોડધામ, ચડ-ઊતર, ઠેકંઠેક વિકાસની પ્રક્રિયા માટે અનિવાર્ય હોય છે.
 35. બાળકની ભૂલથી થયેલો અપરાધ, જાણી જોઈને કરાયો છે તેવું ન માનીએ. નિર્દોષ અને સદોષ વર્તનને સમજવા વિવેક રાખીએ. મને ખબર જ હતી કે આમ થશે એ પરંપરાગત હથિયારને હેઠું મૂકીએ.
 36. બાળકની ઇચ્છાઓને ઉછેરીએ, તેના વ્યક્તિત્વનો અને અસ્તિત્વનો સ્વીકાર કરીએ.
 37. બાળકની નાનો પણ સ્વીકાર કરીએ.
 38. આપણી સગવડ ખાતર તેને નાનો-મોટો ન બનાવીએ.
 39. બાળકોની જાતીય વર્તણૂકને ગંભીર ન ગણતાં હળવાશથી જુઓ.
 40. બાળકની પાસે ઉદારતાની અપેક્ષા ન રાખીએ.
 41. બાળકના શિક્ષણની શરૂઆત તેની માતાના ખોળામાંથી જ થાય છે. તેથી તેમને માતાનો ખોળો આપજો પોતે આધુનિક બનીને આયાનો નહીં.
 42. ભારત કદાચ એવો દેશ હશે જ્યાં લોઅર કે.જી. કક્ષાનું શિક્ષણ બાળકોને પોતાની માતૃભાષામાં આપવામાં આવતું ન હોય તેનો પણ થોડો વિચાર કરીએ.
 43. પક્ષીઓ પોતાનાં બચ્ચાંને પાંખની તાકાત જોઈને એનો સમય આવે ત્યારે ઊડતાં શીખવે છે. તેવી જ રીતે આપણે આપણાં બાળકોની ક્ષમતા જોઈને શીખવવું જોઈએ. તેની ક્ષમતા કરતાં વધારે અને જલદી શીખવવામાં આપણે જાણે-અજાણે ગુનો કરી રહ્યા છીએ તેનો ખ્યાલ રાખજો.
 44. તમે તમારાં બાળકોને એ શીખવજો કે રમત-ગમતમાં પણ કોઈ જીવ પ્રત્યે નિર્દય ન બને. કોઈ પક્ષી કે પ્રાણીને પાંજરામાં પૂરી ખુશ ન થાય.
 45. તમારાં બાળકોને નોકરો સાથે હલકા પ્રકારનું કે તિરસ્કાર કરવાનું કદી શીખવશો નહીં.
 46. બાળકો ભણીગણીને વિદ્વાન થાય, વકીલ થાય, દાક્તર થાય કે ઇજનેર થાય એ સારી વાત છે, પણ એ સજ્જન થાય એ અતિ મહત્વની વાત છે.