પુસ્તક પરબ : અનોખો પ્રયોગ, પવિત્ર પ્રવૃત્તિ

-હરિતા શાહ, પ્રવિણ સોનેરી

સાદર ઋણસ્વીકારઃ આસ્થામાંથી

પુસ્તક વ્યક્તિ માટે ફ્રેન્ડ, ફિલોસોફર ને ગાઈડ બની શકે છે. પુસ્તક નવા વિચારો આપે છે, સદગુણોનું સિંચન કરે છે, સંવેદના ખીલવે છે, સમજ ઊભી કરે છે, ચારિત્ર્ય ઘડતર કરે છે. ટૂંકમાં પુસ્તક સમતોલ વ્યક્તિત્વનું ઘડતર અને ચણતર કરે છે. આજની આપણી શિક્ષણ પદ્ધતિમાં ઘણી બધી ખામીઓ નજરે ચડે છે. આપણે બાળકોના આગવા વિચારો, ઈચ્છાઓ, રસ-રુચિ અને ઝંખના હોય છે એ ભૂલી જઈને આપણી રીતે જ બાળકના વિકાસની પરિભાષા ઘડી નાખતા હોઈએ છીએ. કેળવણીના નામે નિશ્ચિત અભ્યાસક્રમ ઠોકી બેસાડતા રહ્યા છીએ, પરિણામે બાળકનો સર્વાંગી વિકાસ રુંધાતો હોય છે. શિક્ષણ સંપૂર્ણપણે પાઠ્યપુસ્તક આધારિત બની જાય છે. બાળકનો બૌદ્ધિક વિકાસ અટકે છે. બાળકમાં કલ્પનાશક્તિ, વિચારશક્તિ, સમજશક્તિ અને સર્જનાત્મકતા ખીલવવામાં પુસ્તકો જ મહત્વનો ભાગ ભજવી શકે છે. બાળકોને પાઠ્યપુસ્તકો ઉપરાંતના પુસ્તકો વાચતાં કરવાં આવશ્યક છે.

આપણે ત્યાં બાળકોની બાબતમાં બે ભિન્ન પરિસ્થિતિ જોવા મળે છે. શહેરમાં રહેતું બાળક શાળા, ટ્યૂશન, હોમવર્કમાં ગૂંગળાતું રહે છે, બીજું એ કે તે વધારાના મળતા સમયમાં ટેલિવિઝન, વીડિયો ગેમ્સ, ઈન્ટરનેટ અને અન્ય ઈલેકટ્રોનિક્સ રમકડાંને વળગેલું રહેતું હોય છે. ઈતર વાચન તરફ તેને વાળવાનું વલણ જોવા મળતું નથી. બીજી તરફ ગામડાંમાં વસતાં બાળકો માટે પૂરતા વર્ગખંડોની સુવિધા હોતી નથી, ચાર-પાંચ ધોરણ વચ્ચે માંડ એકાદ-બે શિક્ષકો હોય છે. નિયત સમયગાળામાં થોડું-ઘણું ભણાવવામાં આવે. દર વર્ષે અભ્યાસક્રમ પૂરો થઈ જ જાય એની ગેરન્ટી નહીં ! શાળાના સમય સિવાય બાળક ખેતી કે પશુપાલનના નાનાં-મોટાં કામમાં અટવાઈ જાય છે. બાળકને પાઠ્યપુસ્તક પણ માંડ ઉપલબ્ધ હોય છે ત્યાં તેઓ માટે ઈતર પુસ્તકોની ઉપલબ્ધીની કલ્પના સરળતાથી થઈ શકતી નથી.

આ બંને પરિસ્થિતિમાં પુસ્તક અને બાળકને મેળાપ કરાવવો અતિ આવશ્યક હોવા છતાં ઘણો દુષ્કર લાગે છે. ‘વિકસત’ સંસ્થાએ બાળકો સુધી પુસ્તક પહોંચતા કરવાનું દુષ્કર લાગતું કામ કચ્છ જિલ્લાના ત્રણેક ગામોમાં શરૂ કર્યું છે.

ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસોમાં આપણે ત્યાં પાણીની પરબ ઊભી કરવાની પરંપરા છે. ઠંડા પાણીની પરબ રાહદારીઓની તૃષા સંતોષી ટાઢક આપતી હોય છે. એમ શાળાના બાળકો અને ગામના લોકોની વાચનની ભૂખ સંતોષવા ગામમાં પુસ્તકાલય વિકસાવાય રહ્યું છે. જેને ‘પુસ્તક પરબ’ એવું નામ આપવામાં આવ્યું છે. વિકસત સંસ્થા તરફથી કચ્છ જિલ્લાના મમુઆરા, ચકાર અને પાયરકા ગામમાં સ્વતંત્ર અને સમૃદ્ધ પુસ્તકાલય શરૂ કરવાનો પ્રયાસ થયો છે. આ પુસ્તક પરબમાં બાળવાર્તાઓ, કાવ્યો જેવા બાળસાહિત્યના પુસ્તકો, ટૂંકી વાર્તા, નવલકથા, ઈતિહાસના પુસ્તકો, વિજ્ઞાનના પુસ્તકો તથા અન્ય વિવિધ વિષ્યના આશરે 200 જેટલા પુસ્તકો વસાવવામાં આવ્યાં છે.

આ પુસ્તક પરબની સૌથી વધુ રસપ્રદ બાબત એ છે કે પુસ્તક પરબનું સમગ્ર સંચાલન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા જ થાય છે. પુસ્તકાલયનાં પુસ્તકોની આપ-લેની સંપૂર્ણ જવાબદારી ચારથી સાત ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ જ નિભાવે છે. વાચકોને પુસ્તકો આપવાથી માંડી તે વિશેના તમામ દસ્તાવેજો તૈયાર રાખવાની સમગ્ર કામગીરી પણ બાળકો દ્વારા જ સંભાળવામાં આવે છે. આ પુસ્તકાલય માત્ર બાળકો માટે જ ઊભું કરાયું છે એવું નથી, ગામના લોકો પણ પુસ્તકાલયનો છૂટથી ઉપયોગ કરી શકે છે. જો કે આ પુસ્તકાલયનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ વર્ષે ટોકન ફી તરીકે પાંચ રૂપિયા આપવાના રહે છે જ્યારે ગામલોકોએ પચ્ચીસ રૂપિયા ભરવાના રહે છે.

મમુઆરા અને ચકાર ગામમાં એક વર્ષ પહેલા શરૂ કરેલી પુસ્તક પરબમાંથી છ મહિનામાં 182 પુસ્તકો વાચકોએ વાચન માટે લીધાં હતાં. બાળકોમાં બાળવાર્તાઓના પુસ્તકો તરફ વધારે આકર્ષણ રહેતું જોવા મળ્યું. જો કે ધાર્મિક કથાઓ અને વિજ્ઞાનના પુસ્તકો પણ સારા એવા પ્રમાણમાં વંચાયા હતા. મમુઆરા ગામના ધનજી રબારી જે છઠ્ઠ ધોરણમાં અભ્યાસ કરે છે, તેને અકબર-બિરબલની વાર્તાઓ વાચવામાં ખૂબ જ રસ પડે છે. પાંચમાં ધોરણમાં ભણતા નરેન્દ્ર કાપડિયાને મહાન વ્યક્તિઓનાં જીવનચરિત્રો વાચવામાં વધુ રસ છે. વિખ્યાત બનેલા લોકો શા કારણે જગપ્રસિદ્ધ બન્યા અને તેમની જીવનશૈલી કયા પ્રકારની હોય છે વગેરે બાબતો જાણવાની જિજ્ઞાસા તેનામાં છે. પુસ્તક પરબમાંથી સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર મળી આવતા તેણે આનંદની લાગણી અનુભવી હતી. મમુઆરા ગામના અન્ય વિદ્યાર્થીઓ ગોકુલ, પુનાભાઈ, કુલદીપ વગેરેને બાળવાર્તાઓ અને રમૂજકથાઓ વાંચવી ગમે છે.

મમુઆરા ગામની શાળાના આચાર્યા શ્રીમતિ હંસાબહેન સિધોર દ્રઢપણે માને છે કે પુસ્તકો જ બાળકોના સૌથી સારા અને સાચા મિત્ર છે. આજના યુગમાં બાળકોમાં વૈચારિક ક્રાંતિ આવશ્યક છે. બાળમાનસમાં વિચારો પેદા કરે તેવા પુસ્તકો સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવી શકવા સક્ષમ છે. પુસ્તકો દ્વારા બાળકોની વાચન ક્ષમતા વધે છે, તેમના જ્ઞાનમાં વધારો થાય છે અને તેમની વાંચનની ભૂખ વધે છે. આ ગામના રહેવાસી રૂપાભાઈ કહે છે કે પુસ્તક પરબની પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓને લાભ થાય છે. સાથો સાથ ગામના લોકોને પણ લાભ મળ્યો છે. રૂપાભાઈને ઇતિહાસના પુસ્તકો વાચવાનો શોખ છે. સંદર્ભ સાહિત્યની ગરજ સારે એવું દળદાર પુસ્તક ‘મિલેનિયમ ઈતિહાસ’ પુસ્તક પરબમાં જોઈને ખુશ થઈ ગયેલા. તેઓ કહેતા હતા કે આવા નાના ગામમાં આ પુસ્તકની ઉપલબ્ધિ ગામની સમૃદ્ધતાનો વધારો સૂચવે છે. આ ભલે આર્થિક સમૃદ્ધતા નથી પણ જ્ઞાનની સમૃદ્ધતા છે.

મમુઆરા ને ચકાર બંને ગામના પ્રાથમિક શાળાનાં આચાર્યો, શિક્ષકો, બાળકો ને ગામલોકો તરફથી એક વર્ષને અંતે સારો પ્રતિસાદ મળ્યો છે. પુસ્તક પરબની પ્રવૃત્તિની સફળતાને ધ્યાનમાં લઈ પાયરકા ગામે પણ પુસ્તક પરબ શરૂ કરવામાં આવી છે.

આમ, આજે આ ત્રણેય ગામમાં ગામનાં બાળકો દ્વારા જ પુસ્તક પરબ ચલાવવામાં આવે છે. પુસ્તક પરબ જિજ્ઞાસુઓની તરસ બુઝાવતી રહે છે. બાળકોમાં તો જાણે નવો ખજાનો જ મળી ગયો હોય એટલો આનંદ જોવા મળે છે. હેલન હેઈઝનું એક પ્રખ્યાત વાક્ય છે, “માતા પિતા પાસેથી આપણે પ્રેમ અને ઉલ્લાસ પામીએ છીએ, એક પછી એક પગલું માંડતા શીખીએ છીએ. પણ પુસ્તકો ખોલીએ ત્યારે ખબર પડે છે કે આપણને પાંખો ફૂટી છે.” ખરેખર પુસ્તક વ્યક્તિને કલ્પનાની – વિચારોની – જ્ઞાનની પાંખો આપે છે.

લોકમાન્ય તિલક તો કહેતા કે, “હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે એનામાં એવી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં એની મેળે જ સ્વર્ગ રચી દશે.” આમ, માણસના ચારિત્ર્યને ઘડનારા આ પુસ્તકો નવી પેઢી વાચતી થાય. અંતરિયાળ ગામમાં વસતા બાળક સુધી તે પહોંચે એ અગત્યનું છે. આંદ્રે મોરવાએ લખ્યું છે કે, “કોઈ પણ મહાન ગ્રંથ તેના વાચકને તે જેવો હતો તેવો રહેવા દેતો જ નથી – એ વાંચ્યાને પરિણામે હંમેશાં એ વધુ ઉન્નત માનવી બને છે. તેથી, આપણી ક્ષિતિજોને વિશાળ બનાવનારાં, આપણી જાતને ભેદીને બહાર નીકળવામાં સહાય કરનારાં આ સાધનો સહુ કોઈને માટે સુલભ બનાવવાં, તેના કરતાં વધુ મહત્વનું માનવજાત માટે બીજું કશું નથી અને તેમ કરવાનો એક માત્ર રસ્તો પુસ્તકાલયનો છે.” ગામે ગામ આવી પુસ્તક પરબ શરૂ થાય અને બાળકો-યુવાનો વાચતા થાય એ માટે સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓએ વહેલી તકે વિચારવું રહ્યું.