ગરીબી અને સ્ત્રી-પુરુષ ભેદભાવ: લઘુ ધિરાણની મર્યાદાઓ

(સાદર ઋણસ્વીકાર : વિચારમાંથી)

આ લેખમાં શ્રી વિવેકા રાવલ લઘુ ધિરાણ ગરીબી નિવારણના સમગ્ર હેતુ સાથે ક્યાં સુસંગત છે અને નથી તે સમજાવવાની કોશિશ કરે છે. લઘુ ધિરાણને ગરીબી નિવારણના એકમાત્ર માર્ગ તરીકે છેલ્લા કેટલાક દાયકાઓ દરમ્યાન ઉપસાવવાનો પ્રયત્ન થયો છે. પણ લેખક દર્શાવે છે કે માત્ર લઘુ ધિરાણથી ગરીબીનું નિવારણ શક્ય બનતું નથી. તેનો વ્યૂહાત્મક સાધન તરીકે ઉપયોગ કરીને અન્ય માર્ગ પણ તેની સાથે જ પ્રયોજવા જોઈએ.

પ્રસ્તાવના

ધિરાણ અને બચતની યોજનાઓને ગરીબી નિવારણ માટેની રૂપરેખા તરીકે નવાજવામાં આવી છે, પરંતુ તેના લાભો વિશે અતિશયોક્તિ કરવામાં આવતી હોય છે. પરિવારોમાં સત્તા અને અસમાનતાના સંબંધોને જે સ્ત્રી-પુરુષ ભેદભાવ અસર કરે છે તેના પ્રત્યે ધ્યાન આપવામાં તે નિષ્ફળ જાય છે. ઘણી વાર લઘુ ધિરાણ લાંબા સમય સુધી ટકી શકે તેમ હોતું નથી અને તે ચલાવવા માટેના ખર્ચને ભાગ્યે જ પહોંચી વળી શકાય તેમ હોય છે. ગરીબી નિવારણ માટે ધિરાણ અને બચતની યોજનાઓને અસરકારક બનાવવાની હોય તો સ્થાનિક અર્થતંત્ર અને વૈશ્વિક અર્થતંત્રનાં વલણો સાથે તેમના સંબંધોને મજબૂત બનાવવાની જરૂર રહે છે અને મહિલાઓની સક્ષમતાના વ્યાપક ક્રાયક્રમો સાથે તેમને સાંકળવાની જરૂર રહે છે.

‘વૂમનકાઈન્ડ વર્લ્ડવાઈડ’ના એક લેખમાં તાજેતરમાં એવી ધારણાને પડકારવામાં આવી છે કે ધિરાણની યોજનાઓ ગરીબી નિવારણ માટે ઓછી ખર્ચાળ, કાર્યક્ષમ, વહીવટી રીતે આસાન અને ટકાઉ હોય છે. લઘુ ધિરાણના અનેક પ્રયાસો પ્રતીકાત્મક હોય છે એમ જણાવીને તેના લેખક એમ કહે છે કે ગરીબીમાં ઘટાડો કરવાનું જેટલું મુશ્કેલ છે તેટલું જ ઘણી વાર ધિરાણની યોજનાને ટકાવવાનું મુશ્કેલ હોય છે. લઘુ ધિરાણની સફળતાઓ વિશે ઘણી વાર અતિશયોક્તિ કરવામાં આવે છે અને તેની પરિયોજનાઓ ચલાવવા માટે જ નાણાકીય ખર્ચ થાય છે તે જ તેના કર્મચારીઓને માટે જે ખર્ચ થાય છે તેના વિશે ચુપ્પી સેવવામાં આવે છે.

આ લઘુ ધિરાણની યોજનાઓ મહિલાઓની સક્ષમતા વધારવા માટે છે એમ કહેવામાં આવે છે. પણ મહિલાઓની સામેલગીરી પાછળનો તર્ક તેમાં સમસ્યારૂપ છે. જ્યારે વિવિધ સંસ્થાઓ લઘુ ધિરાણની યોજનાઓ ચલાવે છે ત્યારે ધિરાણની પુનર્ચુકવણી માટે મહિલાઓને તેઓ જવાબદાર બનાવે છે. આ સંસ્થાઓ પછી દાતા સંસ્થાઓને એમ જણાવે છે કે આ યોજનાઓ કાર્યક્ષમ છે અને ટકાઉ છે. આમ, મહિલાઓનો એક સાધન તરીકે ઉપયોગ થાય છે. વાસ્તવમાં, લઘુ ધિરાણની યોજનાઓ ગરીબ અને અસહાય મહિલાઓ પર બોજો વધારે છે.

લઘુ ધિરાણની મર્યાદાઓ

જે બિન-સરકારી સંગઠનનો અને મહિલા સંગઠનો ધિરાણ અને બચતની યોજનાઓ ચલાવે છે તેઓ હવે પોલિસની ભૂમિકા જ ભજવે છે. આ યોજનાઓ નફાકારક બને તે માટે પુનર્ચુકવણીના ઊંચા દર રખાય તેના ઉપર જ તેઓ ધ્યાન કેન્દ્રિત કરે છે. પરિણામે, ધિરાણ લેનારાઓને પુનર્ચુકવણીમાં કઈ સમસ્યાઓ નડે છે તે જોવા પ્રત્યે અને તેમનાં કારણો પ્રત્યે તેઓ આંખ આડા કાન કરે છે. આવી પૂનર્ચુકવણીની આડે સાંસ્કૃતિક, પરંપરાગત અને કાનૂની અવરોધો હોય જ, પણ તે ધ્યાનમાં લેવાતા નથી. આ ઉપરાંત પણ બીજી કેટલીક ખામીઓ તેમાં છે. તે નીચે મુજબ છે:

(1) લઘુ ધિરાણની વિવિધ યોજનાઓ વચ્ચે સંકલન હોતું નથી.

(2) જુદી જુદી યોજનાઓ માટે જુદાં જુદાં નિયમો અને નિયમનો હોય છે અને તેથી તેના સંભવિત વપરાશકારો ગૂંચવાડામાં પડે છે અને તેઓ એક યોજનાને બીજી યોજનાની સ્પર્ધક ગણે છે.

(3) સંસાધનોનો અભાવ, પરિવારમાં તેમની ભૂમિકા અને સમુદાયમાં તેમની ભૂમિકા તથા અમુક પ્રવૃત્તિઓ અંગેના સાંસ્કૃતિક નિષેધો ગરીબ મહિલાઓને આર્થિક પ્રવૃતિઓ પર કેવી રીતે નિયંત્રણો લાદે છે તે બરાબર સમજવામાં આવતું નથી.

(4) એવી નાની આર્થિક પ્રવૃત્તિઓમાં મહિલાઓ પ્રવેશે કે જે લાંબે ગાળે સ્થગિત થઈ જાય છે અને બિન-નફાકારક બની જાય છે.

(5) લઘુ ધિરાણની યોજનાઓ પર વ્યાપક પરિબળો કેવી રીતે અસર કરે છે તે સમજવામાં આવતું નથી. દા.ત. વિશ્વના બજારમાં કોકોના ભાવ ઘટવાથી ઘાના નામમા આફ્રિકી દેશમાં ભારે મંદી આવી અને તેથી નાની મહિલા વેપારીઓ માટે નાની લોનની પણ પુનર્ચુકવણી કરવાનું મુશ્કેલ બની ગયું. આને પરિણામે ગરીબી નિવારણ માટેની લઘુ ધિરાણની યોજનાએ ગરીબ મહિલાઓની ગરીબી વધારે વધારી દીધી.

શું થવું જોઈએ ?

‘વૂમનકાઈન્ડ વર્લ્ડવાઈડ’ અને તેની ભાગીદાર સંસ્થાઓ ગરીબી અને અસહાયતા ઉપર સીધો હુમલો કરવા માટે લઘુ ધિરાણ ઉપરાંતના કાર્યક્રમો ઘડી રહી છે. ધિરાણ અને બચતની યોજનાઓના નિયમો વિશે સમુદાયોને અને બિન-સરકારી સંગઠનોના કર્મચારીઓને માત્ર તાલીમ આપવાને બદલે નાણાં વધારે સલામત રીતે નફો કેવી રીતે કરી શકે તેની સમજ કેળવવા માટે મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

પ્રયોગોને આધારે ભણતર થયા તેના ઉપર તાલીમ આધારિત કરાય છે અને લોકોના પોતાના અનુભવોને આધારે બોધપાઠ લેવાય છે. મહિલાઓને એમ કહેવા માટે પ્રોત્સાહન અપાય છે કે તેઓ જે વિચારે છે તેને વિશે તેમણે શીખવાની જરૂર છે. તેઓ ખેતી, પશુપાલન, અન્ન પ્રક્રિયા અને પરિવહન જેવાં ક્ષેત્રોમાં નવી સ્થાનિક રીતે ઉપયોગી કૌશલ્યો પ્રાપ્ત કરે છે અને નવાં બજારોમાં પ્રવેશવા માટે સક્ષમ બને છે.

‘વૂમનકાઈન્ડ વર્લ્ડવાઈડ’ લઘુ ધિરાણની વ્યવસ્થાઓ કરતી સંસ્થઆઓને આટલી બાબતો કરવાની વિનંતી કરે છે:

(1) એવી ધારણ કરવાની છોડી દો કે વ્યક્તિઓ માત્ર કઠોર પરિશ્રમ કરીને પોતાને ગરીબીમાંથી બહાર કાઢી શકે છે.

(2) સફળતાઓ અને નિષ્ફળતાઓ બંને વિશેની માહિતીની વધારે વ્યાપક રીતે આપ-લે કરવી.

(3) જીવનનિર્વાહ વિશે એક પ્રકારનો સર્વગ્રાહી અભિગમ અપનાવવો, ધિરાણની જોગવાઈ કરવા ઉપરાંત બીજી ઘણા પ્રકારની સહાય કરવી.

(4) એમ સમજો કે મુક્ત વ્યાપાર અને વૈશ્વિક બજાર સાથેનો સંબંધ ગરીબી નિવારણ તરફ દોરી જ જાય એવું જરૂરી નથી.

(5) જેઓ ગરીબો વતી ઝુંબેશ ચલાવે છે તેવાં નાગરિક સમાજનાં સ્થાનિક સંગઠનોને ટેકો આપો.

ગરીબી નિવારણ માટે લઘુ ધિરાણ એ કોઈ જાદુઈ લાકડી નથી, પરંતુ જાગૃતિ ઊભી કરવાનું, નાની સામુદાયિક દરમ્યાનગીરીઓ કરવાનું અને નીતિ વિષયક કાર્ય કરવાનું કામ પદ્ધતિસરના અભિગમથી પરસ્પર સાંકળવામાં આવે તો તે વ્યૂહાત્મક સાધન બની શકે છે.

સ્ત્રોત: ‘પાસિંગ ધ બક? મની સિટરસી એન્ડ ઓલ્ડરનેટિવ્ઝ ટુ ક્રેડિટ એન્ડ સેવિંગ્સ સ્કિમ્સ’ -હેલન પેન્કહર્સ્ટ, ‘જેન્ડર એન્ડ ડેવલપમેન્ટ’: ગ્રંથ-10, નં.3, નવેમ્બર-2002.