શાળામાં સ્વચ્છતા સંકુલ શા માટે ?

સાદર ઋણસ્વીકારઃ
પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાન (સફાઈ વિદ્યાલય) દ્વારા પ્રકાશિત ‘શાળા સ્વચ્છતા સંકુલ’ પુસ્તકમાંથી

બાળકની પ્રાથમિક કેળવણી શાળામાં શરૂ થાય છે. શારીરિક તેમજ બાહ્યસ્વચ્છતા કેવી રીતે રાખવી તેની કેળવણી આપવી તે પણ પ્રાર્થમિક શિક્ષણનો એક ભાગ છે. બાળકે પ્રાર્થમિક શિક્ષ મેળવતી વખતે મેળવેલું જ્ઞાન, જાણકારી અને આદતો તેના જીવન પર્યન્ત રહે છે. બાળક મોટું થશે ત્યારે જેવું શિક્ષણ મેળવ્યું હશે તેવું આચરણ કરશે અને સમાજના ઘડતરમાં યોગ્ય ફાળો આપી શકશે. આ થઈ પાયાની વાત, મૂળ વાત.

શાળામાં જ્ઞાન મેળવવા આવતાં બાળકોમાં મારી સારી આદતો પણ પડે તેવું શાળામાં પર્યાવરણ હોવું જોઈએ. ગ્રામ્ય અને અમુક શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા સંકુલ ન હોવાના કારણે મજબૂરીથી ખુલ્લામાં પેસાબ અને મળ ત્યાગ કરવા જવાની આદત પડે છે. મજબૂરીને કારણે પડેલી આદતોને કારણે બાળક મોટું થાય ત્યારે સ્વચ્છતાં સંકુલની સગવડ મળતી હોવા છતાં આ આદતો નીકળતી નથી. તેને બદલે જો પહેલેથી જ બાળકને આવું સંકુલ ઉપલબ્ધ કરાવવામાં આવે તો તે જરૂર તેનો ઉપયોગ કરતાં શીખશે અને તેને સારી ટેવો પડશે.

બાળાઓ મોટી થઈને કિશોર અવસ્થામાં પહોંચે છે ત્યારે કિશોરીઓને શાળામાં સ્વચ્છતા સંકુલ ન હોવાના કારણે ખુલ્લામાં પેશાબ અને મળત્યાગ કરવા લાચારીથી અતિ સંકોચ સાથે જવું પડે છે. આ કારણે કિશોરીઓ આ અવસ્થાએ શાળાએ જવાનું બંધ કરે છે. તેથી તેની કેળવણી અટકી જાય છે. જે એક ખૂબ જ ગંભીર બાબત છે. પ્રગતિશીલ દેશમાં કન્યા કેળવણી અટકી પડે તે ન પોસાય, તે પણ સાવ સામાન્ય છતાં અતિ મહત્વના કારણે.

જે સમાજમાં સ્ત્રીઓને કેળવણી પ્રાપ્ત થઈ નહીં હોય તે સમાજનું ઘડતર પણ અસંતુલિત હશે. શાળાઓ શાળાએ જવાનું બંધ ના કરે તે માટે શાળામાં શાળા સ્વચ્છતા સંકુલ હોવું જરૂરી છે.

શાળામાં શાળા સ્વચ્છતા સંકુલ હોય તો તેનાથી નીચે દર્શાવ્યા પ્રમાણેનાં પરિણામો મળે છે :

  1. શાળાનું સ્વચ્છતા સંકુલ શાળાની સ્વચ્છતા પ્રત્યેની જાગૃતતાનું પ્રતીક છે.
  2. સ્વચ્છતા સંકુલથી બાળપણથી જ બાળકને યોગ્ય જગ્યાએ પેશાબ અને મળત્યાગ કરવાની આદત પડે છે.
  3. યોગ્ય જગ્યાએ પેશાબ તથા મળત્યાગ થવાથી પર્યાવરણની સ્વચ્છતાનું રક્ષણ થાય છે. તેમાં બાળક ભાગીદાર થવાથી તેનો અનુભવ કરી શકે છે અને અવલોકન કરી શકે છે.
  4. બાળપણમાં પાડેલી સારી આદતો મોટા થતાં જળવાઈ રહે છે.
  5. કિશોરીઓને કેળવણી છોડવી પડતી નથી. તેના ફળસ્વરૂપે દેશમાં કેળવણીનો સર્વાંગી વ્યાપ વધે છે.
  6. ખુલ્લામાં ગંદકી નહીં થવાથી બાળકો અને અન્ય લોકોનું આરોગ્ય જળવાશે. સ્વચ્છતાથી સુંદરતા વધશે.
  7. જાહેર સ્વચ્છતા સાચવણીનો ખર્ચ ઘટી જશે અને તેને લગતું કામ કરતાં માણસો ઘટાડી શકાશે અને આમ વિકાસનાં કામો તરફ તેઓને વાળી શકાશે અને તેઓનું તથા દેશનું ગૌરવ વધશે.

કહેવત છે કે કુમળો છોડ વાળીએ તેમ વળે અને બાળકને જે કેળવણીમાં ઢાળીએ તેમ ઢળે. માટે શાળા સ્વચ્છતા સંકુલ દરેક શાળામાં હોવું જ જોઈએ. તે અનિવાર્ય છે.

સરસ્વતીનો વાસ સ્વચ્છતામાં જ છે.