દિલની સંભાળ, દિલથી

– ડૉ. રમેશ કાપડિયા


હમણાં કોઈ ઠેકાણે વાંચવા મળ્યું કે ભારત બહુ યુવાન દેશ છે – આપણી વસ્તીમાં 54 ટકા વસ્તી યુવાનોની છે – આ આનંદની વાત છે પણ એ સાથે જ નજર જરા અટકે અને હૈયામાં ખટકે એવી વાત એ હતી કે ભારતીય યુવાનોમાં હૃદયરોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

અગાઉ એવી સ્થિતિ હતી કે સરેરાશ 40 કે તે પછીની ઉંમરે વ્યક્તિ હૃદયરોગના હુમલાનો શિકાર બને તેવી સંભાવના રહેતી. હવે, હૃદય સાબૂત રાખીને આ વાંચજો – આ ઉંમર ઘટીને 30 સુધી પહોંચી ગઈ છે. મતલબ કે ત્રીસીની ભરજુવાનીમાં હૃદયરોગનો હુમલો આવી શકે છે.

કારણ? તબીબો અને નિષ્ણાતો એક અવાજે અત્યંત ઝડપે બદલાઈ રહેલી – કહો કે બગડી રહેલી – જીવનશૈલીને દોષિત ગણે છે. સતત તનાવ, ઝડપથી ઘણું બધું મેળવી લેવાની દોડ અને એ બધામાં શાંતિ અને પ્રેમને સાવ બાજુએ મૂકી દેવાની આપણા સૌની ઘેલછા. આંકડા તો કહે છે કે ભારતીયોમાં, ખાસ કરીને યુવાનોમાં હૃદયરોગ થવાનું પ્રમાણ પશ્ચિમી દેશોના યુવાનો કરતાં લગભગ બમણું છે.

આ સ્થિતિમાં હૃદયને બચાવવું હોય, જિંદગીને ભરપૂર રીતે જીવવી હોય તો શું કરવું જોઈએ?

સાદો જવાબ છે – તમારા હૃદયની વાત માનવી જોઈએ. જવાબ તો સાદો છે, પણ વાત અમલમાં મૂકવી એટલી સહેલી નથી. અથવા, હૃદયની વાત સાંભળવાની આપણે ટેવ જ નથી. કોઈ વાંધો નહીં, તમારી પાસે તમારા હૃદયની સંભાળ માટે થોડી મિનિટો છે? તો યુનિવર્સલ હીલિંગ કાર્યક્રમના સ્થાપક ડૉ. રમેશભાઈ કાપડિયાના પુસ્તક ‘‘આરોગ્યનિર્માણ’નું આ એક પ્રકરણ તમારે વાંચવું જ રહ્યું…

તાજેતરમાં એવું સમજાયું છે કે લગભગ દર નેવું મિનિટ બાદ જાગ્રત અવસ્થામાં વ્યક્તિ કેવળ એક મિનિટ માટે પોતે જે શ્વસોચ્છવાસ લઈ રહી છે એ પ્રક્રિયાનું શાંત ચિત્તે ધ્યાન ધરે તો પણ અનેક શુભ પરિણામ લાવી શકે છે.

આ ક્રિયા સરળ છે. તમારી કોઈ પણ અવસ્તામાં શ્વાસને બદલ્યા વિના એમાં જાણીબૂજીને કોઈ પણ ફેરફાર કર્યા સિવાય એ કુદરતી રીતે નિરંતર ચાલતા શ્વસને કોઈ પણ જાતના દબાણ વગર સાહજિક રીતે માત્ર જોવાનો છે. કુદરતે શ્વાસની પ્રાણશક્તિ સૌને એવી બક્ષી છે કે આ સ્વાસને ઓળખવાની કોઈ જરૂર રાખી નથી. તમે શ્વાસને જુઓ કે ન જુઓ, ઓળખો કે ન ઓખળો તોપણ તે તો પ્રાણશક્તિ બની નિરંતર છેલ્લા શ્વાસ સુધી ચાલ્યા જ કરે છે. પણ આ શ્વાસને ઓળખવા માટે કેવળ એક મિનિટનું ધ્યાન ઘણું લાભદાયીક છે.

આંખો બંધ રાખીને કે ઉઘાડી રાખીને શ્વાસને જોવાનો છે. આ વખતે મનમાં ભલે અન્ય વિચાર આવે અને જાય પણ આપણે શ્વાસને જોવાનો અભ્યાસ કરતા રહીને વિચાર પર ધ્યાન આપવાનું નથી. વિચારને નકારવાના પણ નથી. માત્ર હળવાશથી આપણું ધ્યાન શ્વાસ પર જારી રાખવાનું છે. જ્યારે શ્વાસોચ્છવાસ કરીએ છીએ ત્યારે આપણે અનુભવ છે કે શ્વાસ નાસિકમાં અંદર જતાં આપણું પેટ સહેજ ઊંચકાય છે અને બહાર નીકળતાં તે અંદર જાય છે. આ ઉદરીય શ્વસનની સહજ પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને ચારથી પાંચ વખત જોતા રહો, પછી આઠથી દશ વખત શ્વાસ જ્યારે લઈએ ત્યારે મનમાં સો અને શ્વાસ બહાર નીકળે ત્યારે હમ્ બોલવાનું છે. એક મિનિટમાં શાંત અવસ્થામાં સામાન્યપણે બારથી ચૌદ વખત આપણે શ્વાસોચ્છવાસ લઈએ છીએ. આ સો-હમ્ શબ્દોને બદલે આઈ અને એમ શબ્દનું પણ મનમાં રટણ કરી શકાય.

ધ્યાન રહે કે આ શબ્દો મનમાં જ બોલવાના છે. આ રીતે લગભગ એક મિનિટનું ધ્યાન પુરું કરવાનું છે. જાગ્રત અવસ્થામાં દર નેવું મિનિટે આ પ્રક્રિયા કરવાની છે. આમ કરવાથી શ્વાસને ઓળખવાની જડીબુટ્ટી હાથ આવશે. તમારો શ્વાસ સ્વસ્થ છે કે અસ્વસ્થ એ તમે હવે જાણી શકશો. અનુભવે સમજાશે કે છાતીથી ચાલતો ઝડપી છીછરો શ્વાસ મનની અસ્વસ્થતા સૂચવે છે, જ્યારે ઉદરથી મંદગતિએ ચાલતો શ્વાસ મનની સ્વસ્થતા દાખવે છે. આમ, ધ્યાનનો મહાવરો પાડી મનની સ્થિતિ વિશે જાગ્રત થતાં શીખવાનું છે. ધ્યાનથી જાણીજોઈને ધીમું ઉદરીય શ્વસન કરવાથી મનની સ્થિતિ બદલી શકાય છે. આને આપણે મસલ ટુ માઇન્ડ કન્ટ્રોલના નામથી ઓળખીએ છીએ.

ધ્યાન શાશ્વત વર્તમાન ક્ષણના આનંદને માણવામાં વ્યક્તિને સહાયભૂત બને છે. શાશ્વત વર્તમાન ક્ષણની ઓળખાણ તે ધ્યાનનું ધ્યેય છે. સમયના રૈખિક ખ્યાલને બદલે આધુનિક ક્વોન્ટમ ભૌતિક વિજ્ઞાનમાં સમય, અવકાશ અને કાળનો એક સ્થૂળ પદાર્થ છે તેમ સાબિત થયું છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં સમયને વહેંચવાની વાત માત્ર એક સુવિધા છે.

ધ્યાનમાં સભાનતા માત્ર શ્વાસોચ્છવાસ છે. આ ક્ષણ તે પરમ આનંદની ક્ષણ છે. આ ઘટના અપૂર્વ સુખદાયી છે. આ અનુભવ ઇન્દ્રિયાતીત છે. તે અનુભવને ઇન્દ્રિયોથી સમજી કે અનુભવી શકાય તેવો નથી. આ ક્ષણ પોતે જ આગવો અનુભવ છે.
આ પરમાનંદ આપતી ક્ષણમાં કોઈ દ્વંદ્વો નથી, વિરોધાભાસ નથી. આ તો પ્રત્યેક વ્યક્તિની ભીતરમાં રહેલું જીવનત્વ છે. તે તમારા શરીરમાં નિરંતર કાર્યતર રહે છે. શરીરના અસ્તિત્વને તે નિભાવે છે. આ તત્વ તે જ જીવનતત્વ છે.

મગજના અગ્રભાગમાં બીટા નામના તરંગો ઉત્પન્ન થતા હોય છે. જ્યારે મન સંપૂર્ણપણે શિથિલ થાય છે ત્યારે આલ્ફા રંગો નોંધાય છે. ધ્યાન દરમિયાન માત્ર ત્રણ મિનિટમાં ઓક્સિજનના વપરાશમાં વીસ ટકાનો ઘટાડો થાય છે. જ્યારે છ કલાકની નિદ્રા પછી ઓક્સિજનના વપરાશ માત્ર આઠ ટકાનો ઘટાડો થાય છે. ધ્યાનનો આ દેખીતો ફાયદો છે. તેનાથી આખા શરીરતંત્રમાં અનુકૂળ પરિવર્તનો લાવી શકાય છે. અને આમાં ધ્યાન સમયે કરેલું પ્રત્યક્ષીકરણ ઘણું અસરકારક નીવડે છે. ધ્યાનથી અનુકંપી તંત્ર મંદ બને છે અને સહાનુકંપી તંત્ર સતેજ બને છે. તેમ થતાં કોરોનરી ધમનીઓ પહોળી થાય છે અને લોહીની ઘટ્ટતા ઓછી થાય છે.

દર નેવું મિનિટ એક મિનિટ માટે શ્વાસને ઓળખવાની પ્રક્રિયાથી શ્વાસનો પ્રકાર અને મનની સ્થિતિ સમજવામાં ઘણી મદદ થાય છે. અત્યંત મહત્વની વાત તો એ છે કે ખંતથી કરેલા અભ્યાસથી ગમે તેવાં સંજોગોમાં ઉદરીય શ્વસન દ્વારા મનની અસ્વસ્થતા ઉપર કાબૂ મેળવી શકાય છે.