ગુજરાતનાં જાણ્યાં-અજાણ્યાં તીર્થધામો

સાદર ઋણસ્વીકાર : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તક `ગુજરાત’માંથી

ગુજરાતીઓને દિવાળી આવે એ સાથે જ વેકેશન યાદ આવે ! પ્રવાસના શોખીનોમાં ગુજરાતીઓને કદાચ કોઈ ન પહોંચે. એટલે જ તો દુનિયાના ખૂણે ખૂણે કોઈ ને કોઈ ગુજરાતી મળી જાય છે. આપણે ગુજરાતીઓ દુનિયા આખી તો ખૂંદી વળ્યા છીએ, પણ આપણા પોતીકા ગુજરાતને કેટલું જાણીએ છીએ? દિવાળીના આ ઉમંગભર્યા દિવસોમાં ચાલો ગુજરાતનાં હિન્દુ તીર્થધામોના પ્રવાસે…

ગુજરાતીઓને તીર્થયાત્રા અને પ્રવાસ અતિપ્રિય છે. કોઇ પણ વેકેશનમાં દેશના બધા ભાગોમાં આવેલાં તીર્થસ્થાનો અને પ્રવાસધામોમાં ગુજરાતીઓ જોવામાં આવે છે. ગુજરાતમાં પણ ઠેર ઠેર આવેલી તીર્થધામોમાં આસ્તિક લોકો અવારનવાર અને ખાસ કરીને પર્વ, ઉત્સવ કે મેળા વખતે મોટી સંખ્યામાં ઊમટે છે.

અંબાજી (બનાસકાંઠા)

શક્તિ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી મોટું અને પ્રાચીન તીર્થધામ. અહીં મળી આવેલા પંદરમી સદીના શિલાલેખો દર્શાવે છે કે આ સ્થળ પ્રાચીન હશે. દસેક હજારની વસ્તી ધરાવતા અંબાજી ગામની મધ્યમાં આવેલ આરાસુરી અંબાના ભવ્ય મંદિરમાં માતાજીની પ્રતિમાને બદલે વિશોયંત્રની પ્રતિષ્ઠા થયેલી છે,જેના દર્શનાર્થે દરરોજ સેંકડો યાત્રાળુઓ આવે છે. આ મંદિરની આસપાસ શ્રી ગણેશ, વારાહી, કોટેશ્વર, વાલ્મીકેશ્વર વગેરે પ્રાચીન મંદિરો છે. અંબાજી મંદિરની સામે ઊંચી ટેકરી પર ગબ્બરમાં અંબામાતાનાં પગલાં છે. આસો અને ચૈત્ર માસનસી નવરાત્રીમાં અહીં મોટો મેળો યોજાય છે જેમાં હજારો ભક્તો ભાગ લે છે. આ મંદિરનાં ર્જીણોદ્વારનું કામ વર્ષોથી ચાલતું હતું તે 1994 માં પૂરૂં થયું છે. અંબાજી પાસે કુંભારિયાનાં પાંચ સુંદર જૈન દેરાસરો છે. નજીકમાં આવેલ કોટેશ્વરની જગ્યાએ સરસ્વતીનો પ્રવાહ પહાડમાંથી બહાર આવતો હોઇને યાત્રાળુઓ અહીં સ્નાન માટે આવે છે.

બહુચરાજી (મહેસાણા જિલ્લો )

ઉત્તર ગુજરાતના ચુંવાળ પ્રદેશમાં આવેલ આ સ્થળ શ્રી બહુચરા માતાના પ્રાચીન મંદિરને કારણે પ્રસિદ્ધ છે. અહીં એક વિશાળ સંકુલમાં ત્રણ ભવ્ય મંદિરો છે. જેમાંનું પહેલું, 1152માં બંધાયેલું સૌથી પ્રાચીન મનાય છે. મધ્યે આવેલું મંદિર મરાઠા કાળમાં અને ત્રીજું જે મુખ્ય મંદિર ગણાય છે તે ત્યારબાદ 1781-91 દરમ્યાન માનાજીરાવ ગાયકવાડે બંધાયેલું છે. આ મંદિરના અંદરના ગોખમાં યંત્ર છે જેની પૂજા – આરતી થાય છે. તેના દર્શને તથા બાળકોના ક્ષૌરકર્મ માટે અને સંતાન – પ્રાપ્તિની માનતા અર્થે સેંકડો શ્રદ્ધાળુઓ દરરોજ આવે છે. ક્ષૌરકર્મ આદિ ક્રિયા મંદિર પાસેના માનસરોવરના સ્થાને થાય છે.

કાયાવરોહણ – કારવણ (વડોદરા જિલ્લો )

વડોદરાથી 35 કિમી. ના અંતરે આવેલું આ સ્થળ પાશુપત સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ છે. પાશુપત સંપ્રદાયના સ્થાપક શ્રી લકુલીશજી દેહાવતાર ધારણ કરી અહીં જન્મ પામ્યા હતા એવી માન્યતા છે. આમ કાયા ધારણ કરી એમણે અહીં આગમન કર્યું એટલે આ સ્થળ કાયાવરોહણ કહેવાયું. અહીં સુંદર શિલ્પ – સ્થાપત્ય ધરાવતું યોગમંદિર છે જેમાં જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે. અહીંના શ્રી કૃપાલ્વાનંદ સ્વામીએ આ મંદિરની રચનામાં પ્રાચીન – અર્વાચીન સ્થાપત્યનો સુંદર સમન્વય કર્યો છે. યાત્રાળુઓ – પર્યટકો માટે રહેવા – જમવાની સગવડ ઉપલબ્ધ છે.

કામરેજ (સુરત જિલ્લો)

સૂરતથી 21 કિમી. ને અંતરે તાપીના દક્ષિણ કિનારે વસેલ આ સ્થલે ત્રણ પ્રાચીન મંદિરો છે. અહીં નારદ – બ્રહ્માની અનોખી પ્રતિમા છે.

કાલિકા – પાવાગઢ ( પંચમહાલ )

વડોદરાથી 45 કિમી. દૂર વનપ્રદેશની વચ્ચે પાવાગઢ પર્વત પ લગભગ 853.4 મીટરની ઊંચાઇએ કાલિકામાતનું પ્રાચીન તીર્થધામ છે. અગિયારમી સદીમાં રચાયેલ ચંદ બારોટના કાવ્યમાં પાવાગઢનો ઉલ્લેખ મળે છે. કદમાં વિશાળ નહિ, પણ સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ સુંદર કહી શકાય એવા આ મંદિરમાં માતાજીનાં ત્રણ સ્વરુપોની મનોહર મૂર્તિઓ છે. મંદિરની સામે સદનશા પીરની દરગાહ છે. પર્વતની તળેટીથી મંદિર સુધી ચઢવા પગથિયાં છે. તાજેતરમાં રોપ -વેની સગવડ પણ થઇ છે. આસો અને ચૈત્રની નવરાત્રિ દરમ્યાન યોત્રિકોનો મોટો સમુદાય અહીં ઊમટી પડે છે.

ગોપનાથ (ભાવનગર જિલ્લો )

ભાવનગરથી 75 કીમી. ના અંતરે તળાજા નજીક રમણીય સમુદ્રકિનારે આ તીર્થધામ આવેલું છે. પંદરમી- સોળમી સદીમાં સ્થાપયેલ મનાતા ગોપનાથના શિવમંદિરનો મહિમા ભક્ત કવિ નરસિંહ મહેતાના નામ સાથે સંકળાયેલો છે. મહેતાજીને અહીં જ ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાનાં દર્શન મહાદેવ શંકરે કરાવ્યાં હોવાની માન્યતા પ્રચલિત છે. શ્રી ગોપનાથના મુખ્ય મંદિર ઉપરાંત અહીં નાનાંમોટાં અનેક મંદિરો છે. યાત્રાળુઓ માટે ધર્મશાળા – ભોજનશાળા ઉપરાંત અહીં વિશાળ વિહારધામ પણ છે. શ્રાવણની અમાસે મંદિર નજીક મોટો મેળો ભરાય છે.

ગુપ્ત પ્રયાગ (જૂનાગઢ જિલ્લો )

ઊના – દેલવાડા નજીક ગુપ્ત પ્રયાગરાજજીનું પ્રાચીન મંદિર અને મહાપ્રભુજીની બેઠક છે.

ઘેલા સોમનાથ (રાજકોટ જિલ્લો )

રાજકોટ જિલ્લાના જસદણ નજીક ઘેલો નદીના કાંઠા પર ઘેલ સોમનાથ તરીકે ભગવાન શ્રી શંકરનું પ્રસિદ્ધ પ્રાચીન પવિત્ર મંદિર છે. મંદિર સુધી જવા માટે નિયમિત વાહનવ્યવસ્થા બારે માસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવા છતાં મંદિરની પ્રાચીનતા અને પવિત્રતા અનેક ભાવિકોને અહીં આવવા આકર્ષે છે.

ચાણોદ – કરનાળી (વડોદરા જિલ્લો)

ડભોઇ નજીક નર્મદા અને ઓર નદીના સંગમ તટે ચાણોદ અને કરનાળી નામનાં બે ગામો ગુજરાતનાં પવિત્ર તીર્થધામો તરીકે પ્રસિદ્ધ છે. અહીં સંગમ પાસે અનેક બાંધેલા ઘાટ છે, જ્યાં નર્મદાસ્નાન કરવાનું માહાત્મય છે. આસ્થળે થોડે થોડે અંતરે નજીકના તીર્થ શૂલપાણેશ્વર સુધી અસંખ્ય શિવાલયો ઉપરાંત શેષનારયણનું ભવ્ય વિશાળ વૈષ્ણવ મંદિર પણ છે. ચાણોદમાં પિતૃકાર્ય અને શ્રાદ્ધ – તર્પણ કરવા માટે શ્રદ્ધાળુઓ આવે છે.

ડાકોર (ખેડા જિલ્લો)

દ્વારકા ખાતેની શ્રીકૃષ્ણની મૂળ પ્રતિમા અહીં પ્રસ્થાપિત થયેલી મનાય છે. શ્રીકૃષ્ણના દર્શનાર્થે દર પૂર્ણિમાએ અહીંથી દ્વારકા જતા ભક્ત બોડાણાની ભક્તિ પર પ્રસન્ન થઇ શ્રીકૃષ્ણે પોતાની પ્રતિમા ડાકોર પહોંચાડી, જે અહીં રણછોડજીના મંદિરમાં પ્રતિષ્ઠા પામી. હાલનું મંદિર 1772માં મરાઠા શરાફ ગૌપાળરાવ તાંબેએ એક લાખ રુપિયા ખર્ચે બંધાવ્યું હતું. મંદિરની સમીપમાં પવિત્ર ગોમતી સરોવર છે. આસપાસમાં નાનાંમોટાં અનેક મંદિરો છે, જેમાં 1970 માં નિર્માણ પામેલ શારદામ્બાનું કમળાકૃતિનું મંદિર એની સ્થાપત્યકલાને કારણે વધુ દર્શનીય બન્યું છે. પુરાણકાળમાં અહીં ડંકઋષિનો આશ્રમ હતો અને આ સ્થળ ડંકપુર તરીકે પ્રસિદ્ધ હતું.

દ્વારકા (જામનગર જિલ્લો)

ભારતનાં ચાર પવિત્ર ધામો પૈકીનું એક. સૌરાષ્ટ્ર પશ્ચિમ કાંઠે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા તે નિર્માણ પામેલું. એમ મનાય છે કે શ્રીકૃષ્ણે વસાવેલ દ્વારકા સમુદ્રમાં ડૂબી જતાં એમના પ્રપૌત્ર વજ્રનાભે નજીકમાં એક ઊંચી જગ્યાએ પોતાના પૂર્વજોને નામે સાત મંદિરો સ્થાપયાં, જેમાંના એકમાં ઇસુની પહેલી સદી દરમિયાન શ્રીકૃષ્ણની ચતુર્ભુજ મૂર્તિની સ્થાપના થઇ. તેના પર સમુદ્રનાં પાણી ફરી વળતાં તે મંદિર પર ચોથી સદીમાં અને એ પછી આઠમી સદીમાં શ્રીકૃષ્ણનું મંદિર સ્થપાયું, જે વારંવાર ર્જીણોદ્વાર પામ્યું. હાલ ગોમતીતટે 40 મીટર ઊંચા, સાત ઝરુખા અને 72 સ્તંભોવાળા જગત મંદિરમાં લગભગ એક મીટર ઊંચી શ્યામ આરસની શ્રીકૃષ્ણની ચતુર્ભુજ પ્રતિમા ચાંદીના સુંદર સિંહાસન પર વિરાજમાન છે. એક હજાર થી વધુ વર્ષ પહેલાં સ્થપાયેલ આ પવિત્ર મંદિરના દર્શનાર્થે દેશના ચારે ખૂણેથી યાત્રાળુઓ આવે છે.

મુખ્ય મંદિરની આસપાસ એવી જ શૈલીનાં અન્ય મંદિરોમાં (1) અનિરુદ્ધજી, (2) પુરુષોત્તમજી, (3) વેણીમાધવ, (4) બલરામજી વગેરે દેવસ્થાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત છેલ્લાં 500 વર્ષ દરમ્યાન બંધાયેલ સુદામા મંદિર, ગાયત્રી મંદિર, શારદાપીઠ તથા અંબાજી, સરસ્વતી વગેરેનાં મંદિરો અહીં છે. સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર તરીકે ઓળખાતાં મુખ્ય મંદિરનાં બે દ્વારે પૈકીના પ્રથમ દ્વારથી ગોમતી તરફ ઊતરતાં 56 પગથિયાંની સીડીની બંને બાજુએ તથા ગોમતી કાંઠે અનેક બીજાં મંદિરો છે. જન્માષ્ટી, દિવાળી, હોળી – ધુળેટીના તહેવારોમાં અહીં મેળા ભરાય છે. બેટ શંખોદ્વારનું તીર્થ અહીંથી 30 કિમી. સમુદ્ર વચ્ચે આવેલું છે.

નારાયણ સરોવર, કોટેશ્વર (કચ્છ )

ભારતમાં પાંચ પવિત્ર સરોવરમાં જેનો સમાવેશ થાય છે એ નારાયણ સરોવર કચ્છ – ભૂજથી લગભગ 150 કિમી. ના અંતરે નખત્રાણા તાલુકમાં છે. હિંદુઓનાં 68 તીર્થોની યાત્રામાં આ સરોવરની યાત્રા અગત્યની મનાય છે. સરોવરતીરે લક્ષ્મીનારાયણ, ત્રિકમરાય, ગોવર્ધનરાય, મહાલક્ષ્મી વગેરે મંદિરો ઉપરાંત મહાપ્રભુજીની બેઠક પણ છે.

નારાયણ સરોવર નજીક દરિયાકાંઠે કોટેશ્વર મહાદેવનું પુરાતન મંદિર છે. આ મંદિરનો ઉલ્લેખ રામાયણમાં મળી આવે છે. યાત્રાળુઓ માટે નારાયણ સરોવર ખાતે ભોજનશાળા, ધર્મશાળા વગેરેની સગવડ છે.

નારેશ્વર (વડોદરા જિલ્લો)

પાલેજ નજીક નર્મદાતીરે સુંદર પ્રાકૃતિક વાતાવરણમાં વસેલું નારેશ્વર એક પ્રાચીન તીર્થસ્થાન છે. મહારાજ શ્રી રંગઅવધૂતના આશ્રમને લીધે આ સ્થળનું મહત્વ વધ્યું છે. શ્રીરંગઅવધૂતના ગુરુ પંડિત વાસુદેવાનંદ શ્રી વાસુદેવાનંદ સરસ્વતી, તેમ્બેસ્વામી ગુજરાતમાં ગરુડેશ્વર ખાતે આવી બિરાજ્યા હતા. શ્રી રંઘઅવધૂત મહારાજ ૧૯૨૭માં નારેશ્વર ખાતે સાધના માટે આવી વસ્યા હતા. ત્યારે નારેશ્વર નામ પડ્યું નહોતું. ત્યારે નારેશ્વર સાત સાત ગામનું સ્મશાન હતું અને ભેંકાર હતું.

આશ્રમમાં રહેવા – જમવાની અને ધ્યાન – મનન કરવાની સંપૂર્ણ સુવિધા છે.

ભાડભુત (ભરુચ જિલ્લો)

ભરુચથી લગભગ 20 કિમી. દૂર નર્મદા ઉત્તર કાંઠે આવેલું આ સ્થળ ઘણું પુરાતન મનાય છે. અઢારમી સદીમાં બંધાયેલ ભાડભૂતેશ્વર મહાદેવના મંદિર ઉપરાંત નર્મદામાતાનું મંદિર, દત્તાત્રેય મંદિર, સૂર્ય મંદિર વેગેરના દર્શનાર્થે ભાવિકજનો અહીં આવે છે. અઢાર વર્ષે ભાદ્રપદ માસમાં અહીં કુંભમેળાનું આયોજન થાય છે.

ભૃગુ આશ્રમ

ભરુચ નર્મદાતીરે ઝાડેશ્વર દરવાજા બહાર ભૃગુ ઋષિનું પ્રાચીન સ્થાન, હવે ર્જીણોદ્વાર પામ્યું છે. એમ મનાય છે કે ભરુચ સ્થપાયું એ પહેલાં ભૃગુ ઋષિ અહીં આવી વસ્યા હતા. સાદા ઘુમ્મટની બાંધણીવાળા આ મંદિરમાં 17 શિવલિંગોની સ્થાપના થઇ છે. મંદિરના વિશા પટાંગણમાં અન્ય મંદિરો અને ભૃગુ ઋષિની ગાદી વગેરે છે.

મૂળ દ્વારકા (અમરેલી જિલ્લો)

કોડીનાર નજીકના સમુદ્રકાંઠે એક ટેકરી પર પ્રાચીન મંદિરોનાઅવશેષો છે, જે મૂળ દ્વારકા તરીકે ઓળખાય છે. અહીં ગોપતળાવ, સૂરજકુંડ અને જ્ઞાનવાપી નામનાં પવિત્ર સ્થાનો છે. અહીં. ખારવા અને માછીમારોની વસ્તી છે.

શામળાજી (સાબરકાંઠા)

હિંદુ પુરાણોમાં ગદાધર ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ આ સ્થળ મેશ્વો નદીના તીરે ભિલોડા ગામ નજીક ડુંગરોની હારમાળા વચ્ચે આવેલું છે. શિલ્પ – સ્થાપત્યના ઉત્તમ નમૂનારુપ આ મંદિર લગભગ દસમી કે અગિયારમી સદીમાં બંધાયેલું છે. પણ 500 વર્ષ બાદ તેનો ર્જીણોદ્વાર કરાયો હતો. તેના વિશાળ પટાંગણમાં પ્રવેશદ્વારે મહાકાય હાથીઓએની બે પ્રતિમાઓ છે. મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના ગદાધર શ્યામસ્વરુપની મૂર્તિ પ્રસ્થાપિત થયેલી હોવાથી આ સ્થળ ગદાધરક્ષેત્ર અને શામળાજી નામે પ્રસિદ્ધિ પામેલ છે. મંદિરની ઇમારતમાંનાં ભોગાસન શિલ્પો સુંદર છે. નજીકમાં દેવની મોરી સ્થળમાંથી પ્રાચીન બૌદ્ધ સ્તૂપ પણ પ્રાપ્ત થયેલ છે. યાત્રાળુઓના ઉતારા માટે ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે.

http://mygujarat.com/સોમનાથ પાટણ (જૂનાગઢ જિલ્લો)

પ્રભાસ પાટણ કે સોમનાથ તરીકે સુપ્રસિદ્ધ આ પ્રાચીન સ્થળ સૌરાષ્ટ્રનાં પાંચ રત્નોમાંનું એક રત્ન ગણાય છે. આર્યોના આગમન પૂર્વે મૂળ સ્થાપેય અહીંના શિવાલયનો ભારતનાં 12 જ્યોતિર્લિંગોમાં સમાવેશ થયેલો છે. વેરાવળથી લગભગ છ કિમી. ના અંતરે સમુદ્રતટે આવેલું આ તીર્થ અહીંની ત્રણ નદીઓ સરસ્વતી, હિરણ્ય અને કપિલા – સાથે સમુદ્રના સંગમને કારણે ખૂબ પવિત્ર મનાય છે
સોમનાથના પ્રાચીન મંદિરને વિદેશી આક્રમકોએ 11 વખત નષ્ટ કરવા પ્રયત્ન કર્યો અને દરેક વેળા તેનો ર્જીણોદ્વાર થયો. એથી 1783માં ઇન્દોરનાં મહારાણી અહલ્યાબાઇએ મૂળ શિવલીંગને ભૂગર્ભમાં સ્થાપી એના પર મંદિર બંધાવ્યું, જે આજે પણ અહલ્યાબાઇ મંદિર તરીકે જાણીતું છે. હાલનું 53.3 મીટર ઊંચું ભવ્ય મંદિર સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ સરદાર પટેલની પ્રેરણાથી બંધાયું છે અને તેના દર્શનાર્થે દેશભરમાંથી યાત્રાળુ આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગનું ભાલકા તીર્થ અહીંથી એકાદ કિમી. દૂર છે. નજીકમાં સોમનાથ ટ્રસ્ટ સ્થાપિત ગીતામંદિર તથા મહાકાલી અને લક્ષ્મીનારાયણનાં મંદિરો છે. કાર્તિકી પૂર્ણિમાએ સંગમસ્થાને મેળો ભરાય છે.

સિદ્ધપુર (મહેસાણા જિલ્લો)

ભારતમાં ચાર પવિત્ર સરોવરો પૈકીના બિન્દુ સરોવર અને સરસ્વતી નદીના કાંઠે વસેલું આ યાત્રાધામ પ્રાચીન કાળમાં સિદ્ધક્ષેત્ર અને શ્રીસ્થળ તરીકે પ્રસિદ્ધ હતું. ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહે અહીં બારમી સદીમાં રુદ્રમહાલયની સ્થાપના કર્યા પછી આ સ્થળ સિદ્ધપુર તરીકે ઓળખાવા લાગ્યું. માતૃશ્રાદ્વ માટે પવિત્ર ગણાતા આ તીર્થધામમાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુ યાત્રીઓ તર્પણ કરવા આવે છે. ભગવાન શ્રી પરશુરામે માતા રેણુકાનું શ્રાદ્ધ અહીં કર્યું હોવાનું મનાય છે. અહીં ગોવિંદ – માધવ, સિદ્ધેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, રણછોડજી, હનુમાનજી, સરસ્વતી , હિંગળાજ માતા, સહસ્ત્રકળા માતા, અરવડેશ્વર મહાદેવ વગેરેનાં પ્રાચીન મંદિરો જોવા મળે છે.

આ ઉપરાંત સૂરત નજીક અનાવિલ બ્રાહ્મણોના ઇષ્ટદેવ શુક્લેશ્વરનું પ્રાચીન મંદિર, કપડવંજ નજીક ઉત્કંઠેશ્ર, ભરુચ નજીકનું શુક્લતીર્થ, સૂરતમાં અશ્વિનીકુમાર, ખેડબ્રહ્મા પાસે અંબાજી માતા, ભાવનગરની ભાગોળે ખાડિયાર માતા, ઊના નજીક તુલસીશ્યામ(તપ્તોદક) સરોવર, જૂનાગઢ જિલ્લામાં જ સોમનાથ નજીકનું ખોરાસા, વેરાવળ નજીકનું પ્રાચી, સુરેન્દ્રનગર જિલ્લામા થાન પાસેનું તરણેતરનું મંદિર, રાજકોટ જિલ્લાના ગૌંડળમાં ભુવનેશ્વરી માતા, જૂનાગઢ નજીક ગીરના વનપ્રદેશ વચ્ચેનું સતાધાર તેમજ રાજકોટ જૂનાગઢ વચ્ચે વીરપુર ખાતેનું શ્રી જલારામ તીર્થ વગેરે પ્રસિદ્ધ તીર્થધામો છે.

જૈનૌનાં તીર્થસ્થાનો પણ ગુજરાતની ભૂમિને ઠેરઠેર પાવન કરી રહ્યાં છે. તેની વાત વળી ફરી ક્યારેક.