સાસુનો પત્ર

કંઈક ગજબના સંબંધોના તારે બંધાયેલું, સચવાયેલું રહે છે આપણું જીવન. વહેતા સમય સાથે આપણા તમામ સાથેના સંબંધોનાં સમીકરણો પણ સતત બદલાય છે. આવો એક સંબંધ સાસુ-વહુનો છે. જેના વિશે બહુ લખાયું છે એવા આ બહુ ગવાયેલા આ સંબંધની ઘણી ઘણી વાત કરી જતો આ પત્ર, શ્રી રંભાબહેન ગાંધીના સાદર ઋણસ્વીકાર સાથે…

ચિ. નીલા,

આ પત્ર વાંચીને કદાચ તને આશ્ચર્ય થશે. તીર્થક્ષેત્રમાં આવ્યાં આજે પંદર દાડા થયા, ને એ પંદર દાડામાં તારી યાદ પચાસ વાર આવી હશે. હું અહીં આવવા નીકળી ત્યારે તારી આંખો ભરાઈ ગઈ હતી ને તું બોલી ઊઠેલી કે, બા મારાથી કંઈ કહેવાઈ ગયું હોય તો મને માફ કરશો. ને પછી નાનકડા નચીને મારા ખોળામાં મૂકીને બોલી હતી કે, અમને નહીં તો આને યાદ કરીને જલદી આવજો, બા!

તો શું, નીલા, તું જાણતી નથી કે મને પણ તમારી બધાની કેટલી માયા છે, મારે ત્રણ દીકરા ને બે દીકરીઓ. એક દીકરીને પરણાવી, ને બીજી તો નાનપણમાં જ ગઈ; એને તો તેં જોઈ પણ નહોતી. પણ તને જ્યારે મેં પહેલવહેલી જોઈ ત્યારે ક્ષણભર તો એમ થયું કે જાણે મારી આરતી જ પાછી આવી ! ને મારો સ્નેહ તારી તરફ વધારે ઢળ્યો. મોટા ભાઈઓ જુદા થયા, ને હું તમારી સાથે રહી. મને તું વધુ ગમતી, તે ઉપરાંત નાનો દીકરો પહેલેથી જ મારો લાડકો હતો. એ છ મહિનાનો હતો ત્યાં એણે એના પિતાની છાયા ગુમાવી, એટલે મારા પ્રેમનો વિશેષ અધિકારી બન્યો. વળી એનો બાંધો મૂળથી નબળો તેથી એની વધારે સંભાળ રાખવી પડતી અને હજીય રાખવી પડે તેમ છે. તે જ કારણે મારે તને કોઈ વાર ટોકવી પણ પડે છે. યાદ છે ને તે દિવસે ઠંડીમાં તું એને ખુલ્લામાં નાટક જોવા ખેંચી ગઈ હતી, ને પછી એ બરાબર એક મહિનો હેરાન થયો ત્યારે મારે તને બે શબ્દો કહેવા પડેલાં?

તને કોઈ વાર વધુ ખર્ચા કરતી જોતી ને મનમાં થતું કે એ બરાબર નથી, છતાંયે કહેતી નહીં. પણ એક વાર તેં જરા વધુ પડતું ખરીદી નાખ્યું ત્યારે મારાથી એટલું કહેવાય ગયું કે, બાપુ ! આમ આંખ મીંચીને ખરચીએ તો ભર્યા કૂવાયે ઠાલા થઈ જાય !
બીજે દિવસે કિરીટે મને કહ્યું કે, બા, આટલો લોભ શા માટે? ને હું સમજી ગઈ કે એ કિરીટ દ્વારા તું જ બોલતી હતી. તમારો ઇશારો જ મારા માટે બસ થઈ પડે. પણ જેને અત્યાર સુધી મારાં જ માન્યાં છે તેને લાગણીથી, તેમના ભલા માટે કંઈક કહેવાઈ જ જાય છે.

તું મજાનું પહેરી-ઓઢીને ફરે ત્યારે મને થાય છે કે દીકરી જ જાણે ફરે છે. એટલે જ તે દિવસે મેં તને ટોકેલી, કારણ કે એટલાં ઝીણાં વસ્ત્રો ને એવી સિલાઈ કુળવાન વહુ-દીકરીને ન શોભે એવાં આછકલાં લાગેલાં. પણ તને એ નહીં ગમેલું.

આમ તને કોઈ કોઈ વાર ટોકી હોય તેવા બનાવો યાદ આવે છે… એક વાર તેં બરણીમાંથી મરચું કાઢ્યું પછી વાતોમાં બરણી ઉઘાડી જ રહી ગઈ હશે, ને બાર મહિનાના મરચામાં બાચકાં પડી ગયાં ત્યારે મેં તને સહેજ ઠપકો આપેલો. કોઈ વાર નચી માટે બે શબ્દ કહેવા પડ્યા હશે.

પરંતુ આવા બનાવો તો ઘર હોય ત્યાં બન્યા કરે. ને આખરે મેં કહ્યું, તે તારા ભલા માટે જ ને ? મેં કંઈ એમ તો નહોતું કહ્યું ને કે, મને મિષ્ટાન્ન બનાવીને જમાડ… કે મારા માથામાં તેલ ઘસી દે… કે મારા પગ દાબ.

ખરું કહું છું નીલા, જ્યારે ન જ ચાલે એવું લાગે ત્યારે જ હું કંઈક કહું છું. બાકી કેટલીય વાર તો ગમ ખાઈ જાઉં છું. કારણ કે આપણી બે વચ્ચે થોડી પણ જીભાજોડી થઈ જાય, તો લોકોને થાય જોણું ને આપણાં ઘરનું થાય વગોણું. બા તો અમારા સુખે સુખી ને તમારા દુ:ખે દુ:ખી છે. તમને આનંદ કરતાં જોઈને તો એનો આત્મા પ્રસન્ન રહે છે.

ખેર, આ વાત તું કદાચ અત્યારે નહીં સમજે. નચી મોટો થશે અને મારી જગ્યા તું લઈશ ત્યારે તને સમજાશે. આજકાલની વહુઓ કુળવધૂ કરતાં વરવધૂ જ બનીને આવે છે. ને જાણે આવતાં જ કહી દે કે, એય ડોશીમાં, હવે તમારા દીકરા પરનો હક ઉઠાવી લો… હવે એ અમારો છે. ખરું છે, વહુદીકરા, ખરું છે. એટલે જ ડાહ્યાઓએ કહ્યું છે ને કે, લોચોપોચો માડીનો,ને છેલછબીલો લાડીનો. પણ લાડી ન ભૂલે કે એ લોચોપોચો માના હૈયાનો ટુકડો છે; એ વધારે ધારે તોય એને એકદમ છૂટો નથી કરી શકતી. માયાના તાર એની સાથે બંધાયેલા રહે જ છે.

જવા દે એ બધી વાતો. તમે થશે કે, અહીં કહેતાંતાં તે શું ઓછું હતું કે હવે વળી ત્યાંથીયે રામાયણ લખવા માંડી ! પણ હું આ લખું છું તે તને દુ:ખી કરવા માટે નહીં, પરંતુ મારું મન જરાક ખુલ્લું મૂકવા જ. આટલા દાડા મને થતું હતું કે તારો કાગળ આવશે. પણ આશા ફળી નહીં…

——————————————————————————

તા.ક. ઉપલો કાગળ લખી રાખ્યો હતો, તેને ટપાલમાં નાખવા આજે માણસ જતો હતો ત્યાં જ તારો પત્ર આવ્યો ને મારા આનંદનો પાર રહ્યો નહીં. નીલા ! મારી દીકરી નીલા ! મેં તને કેટલો અન્યાય કર્યો ! તું કેટલી દુ:ખી થઈ ગઈ છે ! ના, દીકરી, ના હું અહીં કાયમ રહેવા થોડી જ આવી છું ? ને એમાં, બાપુ, તારે માફી માગવાની શેની હોય ? તું તો છોકરું છે; બે વચન બોલી તોયે શું થઈ ગયું ? તું લખે છે કે કિરીટને બહુ દુ:ખ થયું છે ને હું અહીં આવી ત્યારથી એ તારી સાથે મન મૂકીને બોલતો પણ નથી. કેવો ગાંડો છે મારો દીરકો !

અને નચી દાદીમા દાદીમાં કર્યા કરે છે, તો એને કહેજે કે બેટા, હુંય અહીં નચી નચી કર્યા કરું છું. મૂળ કરતાં વ્યાજ વધુ વહાલું લાગે છે. ઘડીભર પણ મારા એ કનૈયાની છબી મારી આંખ આગળથી ખસતી નથી. અહીં મંદિરમાં કનૈયાનાં દર્શન કરતાં મને તો મારો કનૈયો જ દાદીમાં, લાદવો દો ! કહેતો નજરે તરે છે.

બે દાડામાં જ હું ત્યાં આવું છું. ફાવે એટલું કહું, પણ તમારી માયા છૂટે ખરી ? આ પત્ર પોસ્ટ કરું છું, પણ આનેય ભૂતકાળની વાત માની લેજે. તારા પત્રથી મારો રહ્યોસહ્યો રોષ પણ ચાલ્યો ગયો છે. ને દીકરી નીલા ! પડેલા સ્વભાવને કારણે તને કાંઈ કહેવાઈ જાય, તો મને સાસુ ગણવાને બદલે મા સાથે સરખાવજે. હું પણ એ જ વિચાર કરીશ કે વહુ છે તેથી શું થઈ ગયું ? એની માની તો દીકરી જ છે ને? અને આખરે તો મારી દીરકી જ છે ને?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

<span>%d</span> bloggers like this: