(સાદર ઋણસ્વીકાર : ‘માતૃમહિમા’માંથી)
વૃદ્ધ માતા-પિતા પ્રત્યે પુત્ર અને પુત્રવધૂ સંપૂર્ણ કર્તવ્યનિષ્ઠ હોવા છતાં એમના પ્રત્યેન તિરસ્કારભર્યું વર્તન થતું હોય તો શું કરવું ?
ફારસીમાં કહેવત છે કે ‘બુઝુર્ગીકા સંબંધ અકલ સે હૈ ન કી ઉમ્ર સે’ વૃદ્ધ શબ્દમાં જ વૃદ્ધિનું તત્વ સમાયેલું છે. આવી વૃદ્ધિ તમ-મન-હૃદય-ઉદારતા-સહિષ્ણુતા-પરોપકાર-ક્ષમા તમામ ક્ષેત્રે દેખાડવાનો વિષય છે.
વૃદ્ધમાં અનેક પ્રકારનાં શારીરિક, મનોવૈજ્ઞાનિક પરિવર્તનો સર્જાતાં હોય છે. મન આળું થાય છે, અસલામતીની ભાવના પણ ડોકાય, સ્વભાવમાં ક્યાંક ચીડિયાપણું પણ વર્તાય, જીવનમાં ખાલીપો લાગે, ઘરમાં અને સમાજમાં પોતાને ઉષ્માભર્યો આવકાર આપવામાં લોકો ઊણા ઊતર્યા છે, એવું લાગવા માંડે છે. ક્યારેક જિદ્દીપણું અને વાતાવરણમાં ગુસ્સે થવું, નાની નાની વાતમાં ઓછું આવી જાય, છોકરાં પોતાનું માનતાં નથી, મારું ઘરમાં ચાલતું જ નથી, એવો પ્રગટ-અપ્રગટ અસંતોષ મનમાં સતાવ્યા કરે છે. આવાં નાનાં-મોટાં પરિવર્તનો વધતાઓછા અંશે જોવા મળે છે. શારીરિક મર્યાદાઓને કારણે માણસ લાચારી પણ અનુભવે છે. જિંદગીનો આ એક નાજુક તબક્કો છે. એને નિંદનીય નહીં, પણ સહાનુભૂતિપાત્ર જ ગણવો જોઈએ.
જૂની પેઢી અને નવી પેઢીની જીવનશૈલીમાં તફાવત રહેવાનો. જુવાની પાસે સ્વપ્નાં હોય છે, તરવરાટ હોય છે, આશા અને અરમાનોનો પ્રચંડ સાગર તન અને મનમાં ઘૂઘવતો હોય છે, મન પ્રણયપ્યાસું અને લાગણીભૂખ્યું હોય છે, કાયામાં લાગણીનો ધોધ વહેતો હોય છે. સાહસિકતાં અને જોશ હોય છે. આત્મસન્માનની ભાવના અને નોખી રીતે જીવવાની તમન્ના હોય છે. એક આગવા પ્રકારનું અહં યૌવનમાં વિકસે છે અને જીવન નિર્બધ રીતે જીવવા લલચાવે છે. ફૂંકી ફૂંકીને ચાલવું, સમાધાન કરીને જીવવું, તોળીતોળીને બોલવું અને પાકાપાયે વિચાર કરીને નિર્ણય લેવાનું ધૈર્ય યૌવન પાસે હોતું નથી. એટલે બુઝર્ગ પેઢી અને નવી પેઢી વચ્ચે રુચિભેદ, જીવનશૈલીભેદ અને દ્રષ્ટિકોણમાં ખાઈ સર્જાઈ છે. મોટે ભાગે બંને જુદા-જુદા છેડેથી એકબીજાને મુલવતા હોય છે એટલે સંઘર્ષની શક્યતાઓ વધે છે. યૌવન પાસે સ્વપ્નાં હોય છે અને વૃદ્ધો પાસે લાગણીભૂખ્યો અરમાનોનો સંસાર. એક પાસે નરી ઉતાવળ છે અને બીજા પાસે પુષ્કળ નિરાંત. છતાંય હૈયામાં ઉચાટ, ઘરમાંથી પોતે ઊખડી ગયાની એકતરફી વેદના.
સંતાનો માતા-પિતાને અનુકૂળ થાય એ આદર્શ વાત, પણ સંતાનો જ હંમેશા અનુકૂળ થાય એવા અધિકારની એષણા વૃદ્ધત્વને આપત્તિમાં હડસેલનારું પરિબળ પણ બની જતી હોય છે. જે જેટલો ત્યાગ કરી શકે તે તેટલો મોટો. ઉંમરમાં મોટી વ્યક્તિએ એની પહેલ કરવી રહી. વૃદ્ધ પ્રત્યેની જવાબદારીનો નાનેરાંઓને સતત શાબ્દિક અહેસાસ કરાવવાનો પ્રયત્ન વહેલાં મોડાં બંને વચ્ચે ખાઈ સર્જે છે. કર્તવ્યનિષ્ઠ સંતોનો વડીલો પ્રત્યેની આચાર-સંહિતા જાતે જ નક્કી કરી લે છે, તેમ છતાં વડીલના મનની કોઈ ગેરસમજ, જીદ કે કોઈકની અનાવશ્યક ચઢવણી જ્યારે પુત્ર-પુત્રી કે પૂત્રવધૂ સાથેના વ્યવહારમાં કોઈ તિરાડ, અવિશ્વાસ, સંશય કે મતભેદ સર્જવાનું નિમિત્ત બને, ત્યારે મા-બાપને રોષપાત્ર-દોષપાત્ર-આક્રોશપાત્ર ગણવાને બદલે સંતાનોએ તેમના પ્રત્યે સહિષ્ણુ બની આત્મદર્શન દ્વારા યથોચિત વર્તન પરિવર્તનથી ખાઈ દૂર થઈ શકતી હોય તો તેમાં પાછી પાની ન કરવી જોઈએ.
એવું કદાચ ન પણ બને કે સંતાનનો સૌજન્યપૂર્ણ વ્યવહાર તાત્કાલિક વડીલોના મનમાં રહેલી અસંતોષની દીવાલો જમીનદોસ્ત બનવાનું નિમિત્ત બની જાય. એ સંજોગોમાં સંતાનોએ એમની શારીરિક-માનસિક મર્યાદાને લક્ષ્યમાં લઈ એમની વાણીવર્તનની વિચિત્રતા પ્રત્યે ઉગ્રતાભર્યો પ્રતિભાવ ન દાખવવો જોઈએ. કદાચ પરિશ્રમની સંસ્કૃતિનો ઘડો લઈને કોઈ એમ પણ કહી શકે, વિદેશોમાં સંતાનો સ્વતંત્ર રીતે જીવતાં હો છે. તેઓ વડીલોની આપણે ચિંતા કરીએ છીએ એનાથી અડધા ભાગનીય કરતાં નથી. શું વૃદ્ધોની કશી જ જવાબદારી નહીં ? સંયમ દાખવવાનો પહેલો ધર્મ મોટેરાંઓનો છે. તેઓ ફરજ ચૂકે તો નાનેરાં ફરજ ચૂંકે એમાં શી નવાઈ ?
દલીલ ખાતર તો સ્વીકારવું જ પડે કે દરેકને પોતાની રીતે જાળવવાનો અધિકાર છે, વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર છે. એણે પોતાની જવાબદારી વહન કરવાની રીત જાતે જ નક્કી કરવાની હોય છે.
પરંતુ જીવન એકલી ભોગવૃત્તિ, અધિકારપ્રિયતા અને એકલપટ્ટી સુખેષણાથી નથી ટકતું. જીવનનો પાયો ભોગ નહીં પણ ત્યાગ છે. વડીલોએ તેમના જીવનમાં યૌવનમાં દેખાડેલી ત્યાગવૃત્તિથી જ નાનેરાંઓનાં સ્વપ્નો સાકાર થતાં હોય છે. એટલે એ ઋણ ધરાર ઇનકારનો વિષય તો ન જ બને. નિષ્ઠાની કદર ન થાય ત્યારે સ્વાભાવિક રીતે જ માણસ ખિન્ન બને છે.
એવી ખિન્નતા વાજબી પણ છે, પરંતુ વૃદ્ધ વડીલોના કિસ્સામાં એવા વર્તનના ન્યાયનો વિષય બનાવવાને બદલે લાગણીનો વિષય બનાવીને મધ્યમમાર્ગ અપનાવવો જોઈએ. તેઓ કદર કરે કે ન કરે પણ પોતે એમના પ્રત્યે સેવા અને આદર દર્શાવવા બંધાયેલા છે એવી સ્વયંસ્ફુર્ત ખુમારી જ યૌવન પાસે શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે વડીલોએ સંતાનોને ઉછેરીને મોટાં કરાવમાં ઘણાં દુ:ખો સહન કર્યા હોય છે. તેમ છતાં ય ન ગોઠવાય તો વડીલવા હિતની પૂરી ચિંતા રાખી તેમની સાથે મતભેદ રાખ્યા સિવાય તેમને નોંધારાપણું ન લાગે તેવી વ્યવસ્થા ન છૂટકે ગોઠવાય, પણ પલાયનવાદી બનવા માટે તો હરગિજ નહીં.
નાનકડું અમસ્તુ કામ કરી આપનારનો આપણે આભાર ન ભૂલતા હોઈએ તો આપણને જન્મ આપનાર, પાળીપોષીને મોટા કરનાર, આપણને સંસ્કારી બનાવનાર તથા જીવવાલાયક બનાવનારને બધી જ મર્યાદાઓ સાથે આદરમાન આપવું જ જોઈએ. એ વાત થાકીને-હારીને કે લાચાર થઈને નહીં પણ આંતરિક સમજથી કેળવવી જ રહી.
પેટનાં પાંચ દીકરા માને ભારે ન પડ્યા તે જ મા પાંચ દીકરાઓને ફ્લેટમાં ભારે પડે તો આ શ્રવણનો દેશ છે તે કોણ માનશે ?
Filed under: સમાજ |
પ્રતિસાદ આપો