ગુજરાતીઓની સાગરપારની યાત્રાનાં મૂળ

વિદેશમાં વસતા ગુજરાતીઓ અવારનવાર જે તે દેશની સ્થાનિક પ્રજાના રોષનો ભોગ બનતા રહ્યા છે અને એ ઇતિહાસનું પુનરાવર્તન થતું હોય એમ હમણાં કેન્યામાં ચૂંટણીઓ પછી ગુજરાતીઓ હિંસાની ઝપટમાં આવી ગયા છે. ગુજરાતી પ્રજામાં એવું તે શું છે કે અવારનવાર આ રીતે નિશાન બનવા છતાં, દરિયાપાર જઈને, હૂંફાળાં સ્વજનોથી દૂર અને છાશવારે હિંસક બની જતા પરદેશીઓની વચ્ચે જઈને વસવાટ કરવા એ તૈયાર થઈ જાય છે? વધુ કમાણીનું આકર્ષણ તો ખરું જ, પણ એ સિવાય પણ કોઈ કારણ ખરું? ક્યાંથી અને ક્યારથી શરૂ થઈ આપણી આ દરિયાપારની યાત્રાઓ?

જવાબ શોધીએ, આપણને અદભુત સાગરકથાઓ આપનારા શ્રી ગુણવંતરાય આચાર્યની બહુ જાણીતી નવલકથા ‘દરિયાલાલ’ની એમણે લખેલી પ્રસ્તાવનામાંથી…

‘‘ગુજરાતની દરિયાપારની યાત્રાઓ તો ઘણી જૂની છે અને એના ઘણા ઉલ્લેખો પણ મળી આવે છે. છેક ‘‘હરિવંશ’’ના કાળથી તે સિકંદરની ચડાઈ સુધી, અને સિકંદરની ચડાઈથી તે આજ સુધી ગુજરાતનાં વહાણોએ ધરતીપટ ઉપરનાં ચોર્યાસી બંદરોમાં પોતાનો વાવટો ફરકાવ્યો છે.

પદ્ધતિસરનાં રાજતંત્ર શરૂ થયાં ત્યારથી તે આજ સુધી, ગુજરાતનાં બંદરોએ હિન્દના ઇતિહાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. જેને-જેને હિન્દુસ્તાનની લક્ષ્મી લૂંટવાની મુરાદ થઈ છે એણે-એણે ગુજરાતનાં બંદરો હાથ કરવાનો પ્રયાસ કર્યો છે. કાઠિયાવાડ એ ગુજરાતનું બંદરી નાકું હતું, ને કાઠિયાવાડના મશહૂર બંદર સોમનાથ પાટણની આસપાસ તો તવારીખનાં ત્રણસો વર્ષ જાણે થંભી ગયાં છે… ત્યાર પછીનાં તવારીખનાં બીજાં ત્રણસો વર્ષ દીવ બંદરની સામે જાણે થંભી ગયાં છે. દીવની સમૃદ્ધિ બરબાદ થયા પછી કચ્છના માંડવી બંદરે ગુજરાતના અગ્રણી બંદરનું સ્થાન લીધું ને લગભગ ત્રણસો વર્ષ એણે પણ તવારીખમાંથી પોતાનાં બનાવ્યાં…

કાઠિયાવાડની આ અભંગ વહાણવટે કાઠિયાવાડમાં અનેક ખલાસીઓ, નાખુદાઓ ને માલમો પેદા કર્યા છે.

ઇ.સ. અઢારમા સૈકાનો અંતભાગ કાઠિયાવાડને માટે ઘણો જ ખરાબ ગયો… ઇ.સ. 1739માં નાદીરશાહે કમજોર બનેલી મોગલ સલ્તનતને મરણતોલ ઘા માર્યો. એના સીધા પરિણામ રૂપ કાઠિયાવાડમાં મારે તેની તલવારનો યુગ બેઠો… વચમાં એક ભયાનક દુકાળ આવ્યો. દુકાળને વળતે વર્ષે એક પરદેશી વહાણમાંથી પરદેશી ખલાસી મારફત પ્લૅગે હિન્દમાં પહેલું દર્શન દીધું. અને પ્લૅગ જેવી જ મરાઠાઓની મુલકગીરીની ચડાઇઓ પણ આ કાળથી આરંભાઈ.

એકંદરે મામલો ઘણો ખરાબ થયો હતો. અર્થતંત્ર સાવ ભાંગી ગયું હતું. લોકો આંતરવિગ્રહની ને ખુદાઈ ખોફની આપત્તિથી ડર ખાઈને મુલક છોડીને પરદેશ વસવાટ કરવા મંડ્યા. આ કાળમાં આ કારણોથી પૂર્વ આફ્રિકાની હિન્દી વસાહતનો આરંભ થયો. આ પહેલાં તો છેક પંદરમી સદીથી વહાણો તો જતાં-આવતાં ને વેપાર પણ ચાલતો હતો. પરંતુ આફ્રિકામાં વેપારી વસાહતો તો આ જ અરસામાં સ્થપાઈ. સાહસિક પેઢીઓ ત્યાં પડી. સાહસિક વેપારીઓ, મુનીમો ને ગુમાસ્તાઓએ ત્યાં વસવાટ કર્યો. જંગબાર આ આફ્રિકન વસાહતનું મુખ્ય મથક બન્યું. એ આફ્રિકન બંદરગાહનું નામ જંગબાર પણ ગુજરાતી ખલાસી-ભાષાના શબ્દ જુંગબારનો અપભ્રંશ છે. જુંગ એટલે સફરી વેપારી જહાજ અને જુંગબાર એટલે જ્યાં આવાં વહાલો આવીને ઠરે એ બંદર.

આ વેપારી વસાહતો સ્થપાઈ ત્યારે તો આફ્રિકા હજી અંધારો ખંડ હતો. માત્ર ભૂમધ્ય કાંઠા ઉપર ને પશ્ચિમના કાંઠા ઉપર ગોરાઓની વધતી-ઓછી હાજરી હતી.

આ સમયે આફ્રિકા ખંડ અનંત જંગલ હતો, ને વસીને વેપાર જમાવવામાં જોખમો ને સંકટો બરદાસ કરવાનાં હતાં. કોઈ પ્રમાણિક ઇતિહાસકાર જ્યારે આ બધી બાબતોનો વિચાર કરશે, ત્યારે એને દેખાશે કે આ વેપારી વસાહતનું ગુજરાતી સાહક અન્ય કોઈ પણ દેશના વસાહતી સાથે સરસાઈમાં ઊભું રહી શકે એમ છે…

આવી આપણી વસાહતોની કોઈ તવારીખ નથી. કોઈએ એ ઇતિહાસને સંઘરવા જોગ નથી માન્યો… આ વિશિષ્ટ ગુજરાતી સાહસિકતાની આ અક્ષમ્ય ઉપેક્ષા એ આપણું મહા મંદભાગ્ય છે. ગુજરાતી સંસ્કૃતિનું, ગુજરાતી તવારીખનું પણ એ દુર્ભાગ્ય છે. આપણી ઇતિહાસ-સાહિત્યની એ દુર્બળતા અને દરિદ્રતા નિવારવા માટેના સંગીન પ્રયાસો થવા જોઈએ. એ પ્રયાસ થશે ત્યારે તો સાહસિકતાના અનેક અજબ પ્રસંગો સાંપડશે…’’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

<span>%d</span> bloggers like this: