ગુજરાતના દાદા રવિશંકર મહારાજ


મૂકસેવક, લોકસેવક અને ગુજરાતના ‘દાદા’ રવિશંકર મહારાજને આપણે કેટલા ઓળખીએ છીએ? એમના વિશે થોડું જાણીએ શ્રી મૂળશંકર ભટ્ટ દ્વારા લિખિત અને પ્રવીણ પ્રકાશન દ્વારા પ્રકાશિત, વિશ્વના વિવિધ ક્ષેત્રના 500 મહાન વ્યક્તિઓના ચરિત્રની ઝલક આપતા પુસ્તકમાં સમાવાયેલો આ લેખ, લેખક-પ્રકાશકના સાદર ઋણસ્વીકાર સાથે…

માનવતાના દીવડામાં ખુદ પોતાની જાતને દીવેટરૂપે પ્રજાળી પ્રકાશ પાથરનારા વિભૂતિ વિરલ હોય છે. એવી એક વિરલ વિભૂતિ એટલે રવિશંકર માહારાજ. પૂરું નામ રવિશંકર શિવરામ વ્યાસ. રવિશંકર મહારાજથી ગુજરાત જેટલું સંપત્તિમાન હતું તેટલું બીજા કશાથી નહોતું. ગુજરાતની ગુનેગાર ગણાતી અને પ્રજાને ત્રાસરૂપે નીવડેલી કોમોમાં મહારાજે જીવનભર કામ કર્યું. તેમના અંતરમાં માતાનું અમર્યાદ વાત્સલ્ય ભર્યું પડ્યું હતું.

ટૂંકા ધોતિયા પર કસવાળા કેડિયાવાળી, માથે ટોપી અને ઉઘાડા પગની મહારાજની લગભગ બે મીટર ઊંચી તામ્રવર્ણી કાયાએ ગુજરાતનો ખૂણેખૂણો ખૂંદી નાખ્યો હતો. ગુજરાતના લોકજીવનની એની તન્મયતાએ એમને સાચા લોકસેવક બનાવ્યા. ઘણાં વર્ષો પર અમદાવાદમાં એક જણાના ઓટલે ઉતારેલા પોતાના નવા જોડા ચોરાઈ ગયા ત્યારથી એમણે જોડા પહેરવા છોડી દીધા હતા.
શ્રમ, સાદાઈ અને સંયમ એ મહારાજના જીવનના ત્રણ પ્રધાન ગુણો હતા. જનતાને પણ તેમણે એ જ ગુણો કેળવવાનો બોધ આપ્યો. તેઓ ચેતવણી રૂપે કહેતા, હવેનો જમાનો પરિશ્રમનો આવે છે. પરિશ્રમ નહિ કરે તે ભૂખે મરશે.

મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન. મહારાજનો જન્મ માતર તાલુકાના રઢુ ગામે વિ.સં.1940ની મહાશિવરાત્રીના એટલે કે 25મી ફેબ્રુઆરી, ઇ. 1884ના રોજ થયેલો. નાનપણમાં ખૂબ તોફાની. માતા પાસે બેસી કિશોર રવિશંકર માતાને રામાયણ, ભાગવત વગેરે સંભળાવે એટલું જ નહિ પણ માતા સાથે દળણું દળવા પણ બેસી જાય. ધૂળી નિશાળના આચાર્ય એમના જ પિતા. એ શિવરામ મહેતાજી વિદ્યાર્થીના અભ્યાસની કચાશ સહી લેતા, પણ સંસ્કારની કચાશ મુદ્દલ નહિ.

પદંર સોળ વર્ષની વયે ફાટી નીકળેલ પ્લેગની મરકી વખતે મૃત્યુ પામેલાઓને અગ્નિદાહ આપવામાં વ્યસ્ત રહેતા. પિતા પાસે છ ચોપડી ભણ્યા એ જ એમનું ભણતર. પણ માનવસંસર્ગ અને કુદરત પાસેથી એમણે વિપુલ જ્ઞાન મેળ્યું.

મહારાજ છેક નાનપણથી નિર્ભય. ભૂત જોવા મધરાતે સ્મશાનમાં જવું, લડતા પાડાને લાકડી વડે છૂટા પાડવા, બહારવટિયાની શોધમાં એકલા ઘૂમવું એ તો મહારાજને માટે રમત વાત. સમાજ અને ધર્મની દુર્વ્યવસ્થા તેમને ખૂંચતી. કાકાસાહેબે મહારાજને સંસ્કૃતિવીર કહ્યા હતા. ડુંગળીચોર તરીકે પ્રસિદ્ધિ પામેલા મોહનલાલ પંડ્યાના સંપર્કમાં મહારાજ આવેલા. તે અરસામાં દક્ષિણ આફ્રિકાથી હિંદ આવી ગાંધીજી અમદાવાદ રહ્યા.

પછી તો સ્વદેશી ભાવનાથી એવા રંગાયા કે પત્નીને કહ્યું કે, આજથી આ મિલકત તમારી અને દેશ મારો. લોકસેવાનું વ્રત લઈ એ ગામડે ગામડે ફર્યા. ઝવેરચંદ મેઘાણીએ `માણસાઈના દીવા’માં રવિશંકર મહારાજને મોઢેથી સાંભળેલી વાતો રજૂ કરી મહારાજની અતિ ઊજળી બાજુનું દર્શન સૌને કરાવ્યું છે.

ઈ. 1960ના મે માસની પહેલી તારીખે મુંબઈના દ્વિભાષી રાજ્યોમાંથી છૂંટું પડી વર્તમાન ગુજરાત સર્જાયું. એ ગુજરાત રાજ્યનું ઉદઘાટન કરવા માટે રવિશંકર મહારાજને પસંદ કરવામાં આવ્યા હતા.

સમગ્ર જીવનદર્શનના નિસ્તારરૂપે એમણે કહ્યું છે કે, શ્રમ કર્યા વિના જીવે એ હિંસા કરે છે. અહિંસક એ કહેવાય જે કોઈનું લોહી ના લે. પરસેવો પણ લોહીનો પ્રતિનિધિ છે. આપણા માટે કોઈ પરસેવો પાડે એ પાપ છે.

ગુજરાતના આ મૂકસેવક પ્રખર ગાંધીવાદી હતા. 101 વર્ષમાં પ્રવેશ કરી ઈ. 1984ના જુલાઈની પહેલી તારીખે તેમણે મહાપ્રયાણ ક્યું. ભૂદાનપ્રવૃત્તિના એ જબરા ચાહક હતા.

વાંચો ગુજરાતના સ્થાપના દિને પૂજ્ય રવિશંકર મહારાજનું પ્રવચન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

<span>%d</span> bloggers like this: