વરસાદી પાણીનો સંચયઃ સરળ પદ્ધતિ અને અસરકારક પરિણામ

– યાત્રી બક્ષી
(સાદર ઋણસ્વીકાર : ‘શબ્દવેધમાંથી)
વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે આશ્ચર્યકારક સિદ્ધિઓ હાંસલ કર્યા પછી પણ માનવી માટે કુદરત હજુયે રહસ્યમય જ રહી છે. આથી જ ક્ષારમુક્તિના પ્રયોગો અને વાદળાંને અંકુરિત કરી કૃત્રિમ વરસાદ વાટે પાણી મેળવવાના પ્રયત્નો કરાયા છતાં પણ સમગ્ર વિશ્વમાં પીવાલાયક પાણીની અછતનો પ્રશ્ન સામાન્ય બની રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને વિકાસશીલ અને અલ્પવિકસિત દેશોમાં આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. જળ એ જીવન છે. આથી પાણીની હાજરી અને ગેરહાજરી બન્નેથી જમીનની ફળદ્રુપતા અને આસપાસની પર્યાવરણીય પરિસ્થિતિને બહુ મોટી અસર પહોંચે છે. તેમાં પણ પીવાલાયક પાણીનો મુખ્ય સ્રોત તો વરસાદ જ છે.

આમ તો કુદરત હંમેશાં આપણાં પ્રત્યે દયાળુ રહી છે. પછી પ્રશ્ન એ છે કે આપણે કુદરત સાથે સમન્વય સાધીને યોગ્ય પ્રતિભાવ આપતા નથી. જેમ કે, લેટિન અમેરિકાની સરખામણીએ આપણા ભારત ઉપમહાદ્વીપમાં તો વરસાદ ઘણા વધુ પ્રમાણમાં પડે છે. આ વરસાદનું એકેએક ટીપું ઝીલી લઈ જો આપણે તેને ધરતીના તળમાં ઉતારીએ તો આપણા દેશની પાણીની સમસ્યા બહુ સરળતાથી જાતે જ ઊકલી જાય. વરસાદી પાણી જ્યારે ધરતી પર પડે છે ત્યારે તેમાંથી થોડું પાણી જ જમીનમાં ઊતરે છે. બાકીનું ઘણું પાણીતો નકામું જ વહી જાય છે. જમીનનું ઉપલું સ્તર તો બહુ થોડા પ્રમાણમાં જ પાણી સંગ્રહી શકે છે. જમીનના માટીના પ્રકાર અનુસાર બાકીનું પાણી ધીમે ધીમે જમીનમાં ઝમે છે અને ભૂગર્ભ જળમાં ઉમેરાય છે. જમીન ઉપર પડતો પાણીનો વધારાનો જથ્થો ગુરૂત્વાકર્ષણ બળથી ધીમે ધીમે ભૂગર્ભ તરફ ઝમે છે અને ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવે છે.

આપણે કૂવો કે ડંકીઓ મારફતે જે પાણી ખેંચીએ છીએ, તે ભૂગર્ભના આવા ખડકોની તિરાડો અને ખાડાઓમાં અતિ મૂલ્યવાન ભૂગર્ભ જળ જ હોય છે. આ ભૂગર્ભ જળ એ આપણી અતિ મૂલ્યવાન આર્થિક મૂડી છે. માટીમાંથી પસાર થઈ એકત્ર થતા આ ભૂગર્ભ જળને સાચવવું અત્યંત જરૂરી છે, કારણ કે ખૂબ ઝડપથી વિપુલ માત્રામાં વપરાતાં જતા આ જળને ફરી સંચિત કરતાં કદાચ વર્ષો વીતી જશે.

આથી જે સ્થળોએ ભૂગર્ભ જળ બહુ મોટી માત્રામાં વપરાઈ ચૂક્યું છે, ત્યાં કુદરતી પ્રક્રિયા દ્વારા યોગ્ય પ્રમાણમાં જળસંગ્રહ ન થાય ત્યાં સુધી વધુ પાણી ભૂગર્ભમાંથી ન ખેંચાય તેની ખાસ કાળજી લેવાવી જોઈએ. ભૂગર્ભ જળના સ્તરને છેક તળિયે પહોંચી જતું અટકાવવા માટે જે કોઈ પ્રકારે શક્ય હોય તે પ્રકારે ભૂગર્ભ જળસપાટી ફરી ઊંચી લાવવાના પ્રયત્નો હાથ ધરાવા જરૂરી છે.

આના સર્વગ્રાહી ઉકેલ માટે વરસાદી પાણીનો સંચય; ભૂગર્ભ જળને કૂવા, ડંકી અને તળાવો રિચાર્જ કરવા જેવા પ્રયત્નોથી સંચિત કરવું, નદીઓમાં બંધારા બાંધવા, અનુશ્રવણ ખાડા, કૂવા અને તળાવો બાંધવા વગેરે જેવી પાણી-વ્યવસ્થાપનની બહેતર ટેકનિક્સ અપનાવવી જરૂરી છે.

જર્મનીમાં મેજ ઉપર પડેલો એક પ્યાલો પાણી નવ વ્યક્તિઓના પેટમાંથી પસાર થયેલો મનાય છે. એટલે ત્યાં નવ વખત એકનું એક પાણી પુન: ઉપયોગમાં લેવાય છે. એટલે કે માત્ર વરસાદ દ્વારા મળતા પાણીનો સંગ્રહ કરવો જ પૂરતો નથી, પીવાલાયક પાણીના બચાવ માટે પાણી કઈ રીતે વપરાશમાં લેવાય છે તે પણ બહુ અગત્યનું છે. આ માટે વપરાયેલા ગંદા પાણીનો પણ પુન: ઉપયોગ કરી શકાય. જેમ કે, ગંદા પાણીનું શુદ્ધીકરણ કરી નદીમાં પરત ઠલવાય તો ત્યાં ભૂગર્ભ જળ રિચાર્જ થતાં નદીકિનારે વસતા લોકો અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે નહિ.

આવી કૃત્રિમ રિચાર્જ ટેકનિકનો ઉપયોગ કરી પાણીસંચય જર્મની મોખરે છે. વિકસિત દેશોમાં તો રસ્તાઓ એવી રીતે બાંધવામાં આવે છે કે જેથી ચોમાસા દરમિયાન રસ્તાની બન્ને બાજુએ બાંધવામાં આવેલી ખાસ ગટરોમાં વરસાદી પાણીનો પ્રવાહ વહે અને ધસમસતું પાણી વેડફાઈ ન જાય, પરંતુ સંગ્રહિત થાય. આ પદ્ધતિના કારણે એક તો રસ્તા ઉપર પાણી જમા ન થાય. પાણી થતાં ભૂગર્ભ જળસપાટી ઊંચી આવે અને અંતે નજીકનાં સ્થળોએ આવેલા કૂવાઓમાં પાણીની સારી એવી આવક થાય.

ઈટાલી જેવા દેશમાં તો નહાવા માટે વપરાતું પાણી એક અલગ ભૂગર્ભ ટાંકામાં એકત્ર કરવામાં આવે છે. જેમાં તેને શુદ્ધીકરણ પ્લાન્ટમાંથી શુદ્ધ કરી જાજરૂમાં સાફ કરવા માટે ફરી વાપરવામાં આવે છે. ઈઝરાયલમાં ભૂગર્ભ જળ સ્તરને ઊંચું લાવવા માટે ટપક પદ્ધતિથી સિંચાઈ, અનુશ્રવણ તળાવો વગેરે જેવી પાણી બચાવતી આધુનિક વપરાશ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે.

અમેરિકા જેવા વિકસિત દેશમાં ખાડા અને સાંકડાં નાળાંની પદ્ધતિ અપનાવી વરસાદી પાણીને માનવ સર્જિત કૃત્રિમ ટાંકાઓમાં એકત્ર કરાય છે અને પછી તેને ધીમે ધીમે અને ક્રમશ: ભૂગર્ભમાં ઝમવા દેવાય છે. જેથી ભૂગર્ભ જળસપાટી ઊંચી આવે છે. અનેક દેશોમાં હવે પાણીના પરંપરાગત ઉપયોગને બદલે આધુનિક પાણી બચાવતી પદ્ધતિઓ જેવી કે હવાના દબાણની મદદથી ચાલતા શાવર, ફલશ અને વોશિંગ મશીન તથા પાણીનો પ્રવાહ મર્યાદિત કરતા નળ વગેરેનો ઉપોગ કરાય છે.

છતાં. પાણીનો કૃત્રિમ રીતે સંચય કરી ભૂગર્ભ જળ વધારવું એ આજના સમયની અનિવાર્ય જરૂરિયાત ગણાવી શકાય. કૃત્રિમ ઝમણ પદ્ધતિનો ઉપયોગ કરીને વરસાદી પાણી કે નકામાં વહી જતાપાણીને ભૂગર્ભમાં સંચિત કરી ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવાના પ્રયોગોને કૃત્રિમ પાણી રિચાર્જ પદ્ધતિ કહેવાય છે.

તાજેતરના અભ્યાસો જણાવે છે કે ભૂગર્ભ જળના વધારે પડતા ઉપયોગના કારણે ભૂગર્ભ જળસપાટી ભયજનક કક્ષાએ ઘટી ગઈ છે. વિકાસની હરણફાળ અને શહેરી વિસ્તારોમાં વધતી જતી વસ્તીનું દબાણ પ્રાપ્ત ભૂગર્ભ જળ જથ્થાના વધુ પડતા ઉપયોગ તરફ આપણને દોરે છે. આથી જ કૃત્રિમ રિચાર્જ પદ્ધતિઓ વ્યાપક પ્રમાણમાં અપનાવવાની જરૂર ઊભી થઈ છે. આવી કૃત્રિમ રિચાર્જ પદ્ધતિઓ અપનાવવાથી જળસપાટી ઘટતી રોકી શકાય છે, હાલના પાણી પુરવઠામાં ઉમેરો કરી શકાય છે. માટીમાંથી જળસ્રાવ કરાતાં પાણીના જથ્થામાં ઘન કચરો ભળતો રોકી શકાય છે, તથા દરિયા કિનારાના વિસ્તારોમાં સ્વચ્છ પાણીને બગાડતા ખારા પાણીના પ્રવેશને ઘણાં અંશે રોકી શકાય છે.

રિચાર્જના પ્રયત્નોના કારણે ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવી શકાય છે તથા તેનું વર્તમાન સ્તર પણ જાળવી રખાય છે. પાણીમાં ખારાશનું પ્રમાણ ઘટે છે અને તેમ થતાં પાણીની ગુણવત્તા વધે છે. પૃથ્વીના પેટાળમાં રહેલો જળ જથ્થો જળવાતાં જમીન ઉપરનાં બાંધકામોમાં તિરડો પડવા જેવાં નુકસાનો થતાં પણ અટકે છે. પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મળતાં ખેતીમાં એક કરતાં વધુ પાકો લઈ શકાય છે. તેમ જ તેમાં ઉત્પાદનનું પ્રમાણ પણ વધારી શકાય છે. ભૂગર્ભ જળનો સંચય વધતાં રાજ્યોની સંયુક્ત મૂડી સમી મદીઓનાં પાણીની વહેંચણી અંગેના વિવાદો પણ આપમેળે નિવારી શકાય છે.

આવા અનેક ફાયદાઓ આપતી અને વર્ષોથી ન ઉકેલાતી સમસ્યાઓ નિવારતી વરસાદી પાણીનો સંચય કરવાની પદ્ધતિના અનેક પ્રકારો છે. જેમાં અનુશ્રવણ ખાડાઓ અને અનુશ્રવણ ખાડા સાથેના બોરની પદ્ધતિ જો નાના કદમાં પણ વ્યાપક સંખ્યામાં અપનાવવામાં આવે તો ઘણા મોટા પ્રમાણમાં વરસાદી પાણી જમીનમાં સંચિત કરી શકાય. નાના કાંકરાઓ, ઈંટના ભુક્કા અને નદીની રેતીના સ્તરવાળા 4′ x 4′ x 4’ના ચોરસ અનુશ્રવણ ખાડાઓ તૈયાર કરી તેને નાનાં-મોટાં કાણાંવાળા સિમેન્ટ ક્રોન્કીટના ઢાંકણથી ઢાંકી દેવા જોઈએ. જે જમીનમાં માટીનું પ્રમાણ વધારે હોય ત્યાં બોર સાથેના અનુશ્રવણ ખાડાઓ તૈયાર કરવા જોઈએ. આથી અનુશ્રવણ ખાડાના મધ્યભાગમાં બોર કરેલો હોય તો તેમાં એકત્ર થતું પાણી બોર દ્વારા ભૂગર્ભમાં ઉતરી શકે અને માટીના સ્તર નડતરરૂપ ન બને. દર 250 ચો.ફૂ.ના અંતરે આવા અનુશ્રવણ ખાડાઓ તૈયાર થાય તો ખરેખર સારું પરિણામ મેળવી શકાય.

આ ઉપરાંત તમામ ઘર, બંગલા, ફ્લેટ કે કચેરીઓનાં ભવનોની છતમાં એકત્ર થઈ મોટા પ્રમાણમાં વહી જતું વરસાદી પાણી સંગ્રહી શકાય. આને વરસાદી ટાંકાની પદ્ધતિ કહેવાય છે. જ્યારે પણ શહેરમાં સોસાયટી કે ફ્લેટની રચના વિચારાય ત્યારે પહેલેથી જ આવા વરસાદી ટાંકાની સવલત રખાય તો ઓછામાં ઓછું તેમાં વસનારા રહીશોની પાણીની જરૂરિયાત દર વર્ષે ચોમાસા દરમિયાન એકત્ર કરાયેલ પાણી દ્વારા જ પૂરી થઈ શકે. આ માટે છત કે અગાશીમાંથી પી.વી.સી. પાઈપ દ્વારા પાણી ટાંકામાં ઉતારી, ઘરની છતને બહુ સસ્તું અને સરળ વરસાદી પાણી સંગ્રહ કરવાનું કેન્દ્ર બનાવી શકાય. વળી જો ઘેર ઘેર આ પાણી ફરી ઉપયોગમાં લેવું હોય તો ચોમાસાની શરૂઆતમાં જ ઘરની છત સાફ કરી પહેલાં બે-ત્રણ વરસાદનું પાણી વહી જવા દેવું હિતાવહ છે. જેથી તેમાં રહેલી Impurities- અશુદ્ધતા સંચિત પાણીમાં ભળે નહિ. આ પદ્ધતિ બંધાઈ ચૂકેલી ઈમારતોમાં પણ ઊભી કરી શકાય. તેના માટે માત્ર છતને પી.વી.સી. પાઈપ દ્વારા કમ્પાઉન્ડરમાં તૈયાર કરેલા રિચાર્જ માટેના ટાંકા સાથે જ જોડવાની રહે છે. આમ જો તમામ બિલ્ડિંગ કે ઘરોમાંથી વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારાય તો બહુ ઝડપથી અને બહોળા પ્રમાણમાં ભૂગર્ભ જળનું સ્તર વધારી શકાય.

આ સાથે આપણે રોજબરોજના વપરાશમાં જે કાંઈ પાણીનો ઉપયોગ કરીએ છીએ તેમાં જાગરૂક રહી પાણી વેડફાતું બચાવીએ તો પણ ઉપલબ્ધ પાણીનો જથ્થો ઘટતો બચી શકે. વળી, જે પાણી વાપરીએ છીએ તેને જ ફરી પાછું ઉપયોગમાં લેવાની પદ્ધતિઓ પણ અપનાવી શકાય. જેમ કે, આપણે રોજ સ્નાન કરવા જે પાણીનો ઉપયોગ કરીએ છીએ તેને ફરીથી ઉપયોગમાં લઈએ.

એકનું એક પાણી ફરી ઉપયોગમાં લેવાતાં પાણીનો ઘણો બધો જથ્થો બચાવી શકાય. આ માટે સ્નાન માટે વપરાયેલું પાણી બાથરૂમમાંથી એક અનુશ્રવણ ખાડામાં એકત્ર થાય એવી વ્યવસ્થા કરવી પડે. આના માટે બાથરૂમ સાથેના જોડાણની પાઈપમાં “U” બેન્ડ હોવો જરૂરી છે. જેથી એકત્ર થયેલા પાણીની દુર્ગંધ કે અન્ય જીવાતો વગેરે બાથરૂમમાં દાખલ થઈ શકે નહિ. આમ એકત્ર થયેલું પાણી અનુશ્રવણ ખાડાના ફિલ્ટરેશનમાંથી પસાર થઈ ભૂગર્ભમાં ઉતરી શકે.

આજ રીતે બહુમાળી મકાનમાં તો કમ્પાઉન્ડ ઘણાં મોટા હોય છે. આવા કમ્પાઉન્ડમાં એક ખૂણે અનુશ્રવણ ખાડો તૈયાર કરી આખાય કમ્પાઉન્ડને તેના તરફનો ઢાળ આપી વરસાદ સમયે નકામું વહી જતું પાણી તેમાં એકત્ર કરી શકાય. જો વધુ માળવાળું મકાન હોય તો તેમાં કૂવો પણ કરી શકાય. જેથી તેમાં વરસાદી પાણી સંચિત કરી પાણીનો સ્થાનિક સ્રોત ઊભો કરી શકાય. આમ, ઈમારતોમાં આવેલી ગટરોમાં ભળી જતાં વરસાદી પાણીને વેડફાતું બચાવી શકાય.

આ ઉપરાંત જ્યાં જ્યાં ખુલ્લાં મેદાનો આવેલાં હોય ત્યાં જમીનના ઉપલા માટીના સ્તરને દુર કરી નદીની રેતી પાથરવી જોઈએ. આમ કરતાં ચોમાસા દરમિયાન વરસાદનું પાણી જમીનમાં ઊંડે ઉતરે અને બહું મોટા પ્રમાણમાં ભૂગર્ભ જળ રિચાર્જ થઈ શકે. વળી જ્યાં જ્યાં કુદરતી રીતે જ કે બાંધકામના કારણે ઢાળ હોય ત્યાં નાનકડા કૂવાઓ બનાવવા જોઈએ. આનાં કારણે જમીનનું ધોવાણ પણ અટકે, પાણી ભરાઈ જતું અટકે તેમજ આવા નાના કૂવાઓમાં એકઠા થતા પાણીને ધીમે ધીમે ભૂગર્ભમાં ઉતરવાનો સમય મળે. આવી સાવ સામાન્ય કહી શકાય તેવી પદ્ધતિઓથી માન્યામાં ન આવે તેટલા બહોળા પ્રમાણમાં નકામાં વહી જતા પાણીને સંચિત કરી શકાય.

વિપુલ પ્રમાણમાં ભૂગર્ભ જળનો વપરાશ થવાના કારણે ઘણીવાર જૂના ખુલ્લા કૂવા, બોર અને ડંકીઓ વગેરે સૂકાઈ ગયા હોય છે. આવા મૃત કૂવા વગેરેને રિચાર્જ કૂવાઓમાં ફેરવી શકાય. આ માટે આવા મૃત કૂવાઓમાં કાંકરા તથા રેતીના સ્તર કરી છત-છાપરા પર પડતા પાણી અને ગામ રસ્તાઓ વગેરે પર વહી જતા પાણીને તેના તરફ વાળી શકાય. આમ કરાતાં તે કૂવામાંથી પાણી ઝમીને ભૂગર્ભમાં ઉતરી શકે.

આ ઉપરાંત વિસ્તારમાં પાણીમાં વધુ ઘન કચરો કે કાંપ વગેરે સાથે આવતા હોય તેવા વિસ્તારોમાં પાણી રિચાર્જ પદ્ધતિમાં ખાડા કે નાના તળાવો અને સાંકડા નાળાંનો પ્રગોય વધુ ઉપયોગી અને અસરકારક નીવડે. જે તે સ્થળની ભૂસ્તરીય રચના અનુસાર આ નાનકડી તળાવડીઓ સાથે નાળાં તૈયાર કરી શકાય. આથી જમીન ઉપરથી વહેતું પાણી નાળામાંથી પસાર થઈ રિચાર્જ માટેની માનવ સર્જિત તળાવડીમાં પ્રવેશે તે પહેલાં જ પાણી સાથે આવેલો કાંપ કે ઘન કચરો નાળાં પાસે જમા થઈ જાય.

આ રીતે જાહેર બગીચાઓ, જાહેર ભવનો, સ્મારકો, સ્ટેડિયમ, રમત મેદાનો, હવાઈ મથકો, રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશન, મંદિરો વગેરેમાં જો છત ઉપર તથા તેની આસપાસના કમ્પાઉન્ડ વગેરેમાંથી ચોમાસા દરમિયાન વહી જતું વરસાદી પાણી ઝીલી લઈ રિચાર્જ કૂવા કે તળાવડી વગેરે તરફ વાળી લેવાય તો અગાઉ જણાવ્યું તેમ વિપુલ માત્રામાં જળ જથ્થો વેડફાતો બચાવી શકાય. વળી, ગંદા પાણીના નિકાલ માટેની જે ગટરો હોય તેને બે ભાગમાં વિભાજીત કરી નખાય તો તેમાં નકામું ભળી જતું ચોખ્ખું પાણી અલગ તારવી લઈ શકાય એટલે કે આ ગટરોની રચના એવી રીતે કરાય કે જેમ રહેઠાણો કે કચેરીઓમાંથી આવતું ગંદુ પાણી અને રસ્તાઓ ઉપરથી વહીને આવતું વરસાદી પાણી અલગ અલગ નિકાસિત કરી શકાય. તેમાં રસ્તાઓ ઉપરથી આવતા પાણીના નિકાલ માટેની ગટરોમાં કાણાંવાળા ઢાંકણા હોય તેમજ તે ગટરના માર્ગે નિશ્ચિત અંતરે માટીના પ્રકાર અનુસાર અનુશ્રવણ ખાડાઓ પણ તૈયાર કરાય તો તે તમામ જળ જથ્થો ભૂગર્ભમાં ઉતારી શકાય.

આમ, વરસાદી પાણીને સંચિત કરી ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાની સાથોસાથ રોજિંદા વપરાશમાં લેવાતા પાણીને જો Soil Aquifer Treatment પાણી શુદ્ધીકરણ પ્રક્રિયામાંથી પસાર કરીને નદીના પટમાં પરત ઠાલવવામાં આવે તો પણ ભૂગર્ભ જળનું સ્તર ઘણે અંશે પુન: પ્રસ્થાપિત કરી શકાય.

ગ્રામસ્તરે જોઈએ તો મૃત કૂવા અને ડંકીઓ રિચાર્જ કરવા નાના અનુશ્રવણ તળાવો તથા નાલા પ્લગીંગ, બંધારા તેમજ કેટરીઓના ઢાળ વગેરેમાં કેચડેમ બાંધવા જેવી પદ્ધતિઓ અપનાવી વધુમાં વધુ પ્રમાણમાં નકામાં વહી જતા વરસાદી પાણીને સંગ્રહીને ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવી શખાય. નદીના વહેણના માર્ગે નિયમિત અંતરે બંધારા બાંધવાથી ચોમાસા દરમિયાન ઉપરવાસમાં તેમજ છેક સમુદ્રમાં નકામાં જતા પાણીના પ્રવાહને ભૂગર્ભમાં ઉતરતો કરી શકાય. આમ થતાં કુદરતી ભૂગર્ભ જળ ભંડારો ફરી સમૃદ્ધ બની શકે અને નદીની આસપાસના તમામ વિસાતરોના જળસ્રોતો રિચાર્જ થઈ શકે.

આમ, શહેરી તથા ગ્રામ્ય એમ બન્ને વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં સર્વગ્રાહી રીતે સામૂહિક ધોરણે, સંપૂર્ણ જવાબદારી સાથે જો વરસાદી પાણીને ઝીલી લેવાના પ્રયત્નો હાથ ધરાય તો પાણીની વિકટ સમસ્યા ખૂબ સરળ રીતે હલ થઈ શકે અને અસરકારક પરિણામો આવી શકે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

<span>%d</span> bloggers like this: