ભાષા તો ડીએનએ જેવી છે, ઇઝન્ટ ઇટ?

– હિમાંશુ કીકાણી

હમણાં એક સમાચારે ધ્યાન ખેંચ્યું – શીર્ષક હતું કે `વિશ્વની ભાષાઓ ઝડપથી લુપ્ત થઈ રહી છે’. મથાળાની ઉપર પેટામથાળું હતું કે `સરેરાશ દર પખવાડિયે એક ભાષા લુપ્ત થાય છે.’

સમાચાર વાંચતાં વધુ વિગતો મળી કે સમગ્ર વિશ્વમાં લગભગ ૬,૫૦૦ ભાષાઓ બોલવામાં આવે છે. જેમાંથી દર બીજા અઠવાડિયે સરેરાશ એક ભાષા તેના બોલનારા વૃદ્ધ લોકોની વિદાય સાથે લુપ્ત થઈ રહી છે. ભારતીય મહાસાગરના આંદામાન દ્વીપ સમૂહમાં સૌથી વધુ પ્રચલિત ભાષા બોલનારા માત્ર ૨૦ લોકો બચ્યા છે.

અચાનક આ ભાષાપુરાણ ઊભું થવાનું કારણ એ છે કે મલેશિયાની યુનિવર્સિટી ઓફ મલાયામાં ૨૬થી ૨૮ ઓક્ટોબર દરમિયાન ભાષાવિજ્ઞાનીઓના `ફાઉન્ડેશન ફોર એન્ડેન્જર્ડ લેંગ્વેજ’ની ૧૧મી બેઠક યોજાઈ ગઈ. એમાં આ વિગતો જાહેર કરવામાં આવી. ભાષાવિજ્ઞાનીઓનું કહેવું છે કે એશિયાની સાથેસાથે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ ભાષાઓ લુપ્ત થવાનો ખતરો ઊભો થયો છે.

આ સમાચારમાં ખાસ રસ પડવાનું કારણ એ કે આપણે ગુજરાતીઓમાં વારંવાર અંગ્રેજીના આક્રમણને કારણે ગુજરાતી ભાષા મરી પરવારશે એવી ચર્ચા ચાગે છે, પણ ભાષા મરી જવી એટલે શું એનો ખરેખર વિચાર આપણે કર્યો છે ખરો?

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર યાદ દેવરાવે છે તેમ એકલા ગુજરાતમાં જ સાડા પાંચ કરોડ ગુજરાતીઓ છે. ગુજરાત બહાર ભારતમાં અને ભારત બહાર સમગ્ર વિશ્વમાં ફેલાયેલા આપ્ના જેવા પરિવારો સહિત ગુજરાતીઓની કુલ સંખ્યા તો છએક કરોડે પહોંચે છે. આટલી મોટી સંખ્યામાં લોકો જે ભાષા બોલતા હોય એ એમ કંઈ સહેલાઈથી મરે નહીં.

છતાં, ભાષા વિશે થોડું વિચારવા જેવું તો ખરું.

ભાષાવિજ્ઞાનીઓ ભાષાને મોટા ભાગે ત્રણ ભાગમાં વહેંચે છે. એક તો, રોજબરોજ બોલાતી જીવંત ભાષાઓ. બીજો ભાગ છે, મરી પરવારવાના આરે પહોંચેલી, એન્ડેન્જર્ડ ભાષાઓ અને ત્રીજો ભાગ છે ભૂંસાઈ ગયેલી, મૃત ભાષાઓ.

દુનિયાભરમાં અત્યારે લગભગ ૬થી ૭ હજાર ભાષા બોલાય છે. ૨૦૦૭ની શરુઆતની ગણતરી મુજબ દુનિયામાં ૬,૯૧૨ જીવંત ભાષાઓ છે એવો ચોક્કસ આંકડો પણ અપાય છે, પણ ભાષા પોતે એટલી તરલ છે કે એ આવા આંકડામાં સપડાય તેમ નથી. ભાષા અને બોલી બંને વચ્ચે એટલી પાતળી ભેદરેખા છે કે ભાષાની ચોક્કસ સંખ્યા વિશે ખોંખારો ખાઈને કોઈ કશું કહી શકતું નથી.

આમ પણ આપણો રસ સંખ્યામાં નહીં, પણ ભાષામાં છે. આમાં રસ પડે એવી વાત એ છે કે વિદ્વાનો માને છે કે ૨૧મી સદી પૂરી થવામાં હશે ત્યાં સુધીમાં દુનિયાની અડધોઅડધ ભાષાઓ મરી પરવાશે!
હવે અહીં દુનિયા બે ભાગમાં વહેંચાઈ જાય છે.

જરા ધ્યાનથી વાંચજો. વાત આપણે દુનિયાની બધી ભાષાઓની કરીએ છીએ, પણ એને માત્ર ગુજરાતીની રીતે જોશો તો પણ મઝા પડશે.

કેટલાક લોકો માને છે કે આ રીતે ભાષાઓ મરી જાય એમાં કશું ખોટું નથી. ઉલટાનું એને તો પ્રોત્સાહન આપવું જોઈએ. કેમ? આ રહી એમની દલીલ… એ લોકોના માનવા પ્રમાણે દુનિયામાં આટલી બધી ભાષા છે એને કારણે હદ બહારનું આર્થિક ભારણ વધે છે. સામાન્ય કોઈ એક કંપ્નીનો જ દાખલો લો તો એના ગ્રાહકોમાં જેટલી ભાષાઓ બોલાતી હોય એટલી ભાષામાં એણે પોતાની સેવાઓ આપવી પડે. કેટલું મોંઘું પડે? એક્સ્ટ્રીમ વ્યૂ તો એવો છે કે દુનિયામાં અંતે એક જ ભાષા રહેવી જોઈએ, જેથી સૌ સહેલાઈથી એકબીજાને સમજી શકે અને તેને કારણે પ્રગતિ તીવ્ર ગતિએ આગળ વધે.

આથી બિલકુલ જુદી દિશામાં વિચારનારા પણ છે. એમના મતે, ભાષા તો કોઈ પણ ભોગે મરવી ન જોઈએ કેમ કે ભાષા એટલે માત્ર શબ્દો નથી. ભાષા તો એ જ્યાં બોલાતી હોય એ વિસ્તારના ડીએનએ જેવી છે. ભાષાથી જે તે પ્રદેશની આગવી સંસ્કૃતિ જાણી શકાય, લોકોના વિશિષ્ટ વિચારો જાણી શકાય, લોકોનાં મન વાંચી શકાય, ભાષાઓમાં વૈવિધ્ય હશે તો વિદ્વાનો અને અભ્યાસુઓને માનવસભ્યતાનો અભ્યાસ કરવા માટે ઘણું મોટું અને મોકળું મેદાન પણ મળી રહેશે. ભાષાનું વૈવિધ્ય હશે તો વિચારોમાં પણ વિવિધતા રહેશે અને તો જ વિકાસની નવી ક્ષિતિજો ખૂલશે! એટલે કે ભાષા સમાજને અને સમાજ ભાષાને ઘડે છે!

અંતે દુનિયામાં એક જ ભાષા રહેવી જોઈએ એવા વિચારના વિરોધીઓ કહે છે કે એ સ્થિતિ તો ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા જેવી થઈ જશે. આખા વિશ્વમાં એક જ ભાષા બોલાતી હશે તો લોકોના વિચારો પણ કુંઠિત થઈ જશે અને વૈવિધ્યથી જે નવી તકો ખૂલે છે એ ક્યારેય ખૂલશે જ નહીં.

ગુજરાતી કે ઇંગ્લિશ?

હવે આ જ વાત આપણી ગુજરાતી ભાષાની રીતે થોડી જોઈ-તપાસીએ. દુનિયાભરમાં છએક કરોડ ગુજરાતીઓ ગુજરાતી બોલે લખે છે એટલે ગુજરાતી એમ સહેલાઈથી મરવાની નથી એ તો જાણે નક્કી, પણ ગુજરાતી ભાષા ખરેખર જીવંત છે ખરી? ગુજરાતી ભાષાનો ધબકાર ધીમો પડી રહ્યો છે એ વાત સાચી?

mygujarat.comજેમ ભાષા બોલનારા ઘટે એમ ભાષા જોખમાય, તેમ જે ભાષા શીખનારા ઘટે એ ભાષા પણ જોખમાય. ગુજરાતી માટે આ વાત એકદમ બરાબર લાગુ પડે છે. ગુજરાતી પરિવારોમાં વડીલો પોતાનાં સંતાનો ગુજરાતીમાં બોલે એમ ઈચ્છે, પણ વડીલો એટલે દાદા-દાદી. આજના જમાનામાં જીવતાં મોટા ભાગનાં પપ્પા-મમ્મીને પોતાનું બાળક અંગ્રેજીમાં બોલે તો જ સ્માર્ટ લાગે છે. એ માટે એમની પાસે નક્કર કારણો પણ છે એનીય ના નહીં. દાદા-દાદીને પોતાની સંસ્કૃતિનું ખેંચાણ છે, તો પપ્પા-મમ્મીને પ્રેક્ટિકલ જિંદગીની ચિંતા છે. વાતમાં વજૂદ તો બંને બાજુએ છે. આ વાત માત્ર એનઆરજી પરિવારો પૂરતી સીમિત નથી. ગુજરાતમાં નડીયાદથી માંડીને ધોરાજીમાં વસતા પરિવારોને પણ ગુજરાતી કે અંગ્રેજી એવી દ્વિધા સતાવે છે.

ક્યારેક એવું લાગે છે કે આપણે `ગુજરાતી અથવા અંગ્રેજી’ એ રીતે વિચારીએ છીએ એમાં જ આખી સમસ્યાનાં મૂળ છે. `ગુજરાતી અને અંગ્રેજી’ કેમ શક્ય ન બને? શીખનારા તો આઠ-નવ ભાષામાં પણ પ્રભુત્વ મેળવી શકે છે. આપણું બાળક માત્ર બે ભાષા પર સરસ પકડ કેમ મેળવી ન શકે?

આ વાત અઘરી એટલા માટે બને છે કે બાળકને ગુજરાતી કે અંગ્રેજી બંનેમાંથી કોઈ પણ ભાષા શીખનારા ઘણા ખરા શિક્ષકો કે માબાપ તરીકે આપણે પોતે બેમાંથી કોઈ ભાષા પર પૂરી પકડ ધરાવતાં નથી. સવાલ ઇંગ્લિશ કે ગુજરાતીનો નથી. સવાલ કોઈ પણ ભાષામાં ઊંડા ઉતરવાનો અને ભાષા પ્રત્યે પ્રેમભાવ કેળવવાનો છે. એ થાય તો, `એ ફોર એપલ’ અને `ક કલમનો ક’ બંનેમાં મજા જ મજા છે!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

<span>%d</span> bloggers like this: