જાજ્વલ્યમાન ગુજરાતણ પુષ્પાબહેન મહેતા

– ઇલા પાઠક

(સાદર ઋણસ્વીકાર : ‘દિવ્ય ભાસ્કર’માંથી)

પુષ્પાબહેન મહેતાની જન્મશતાબ્દીનું વર્ષ (21મી માર્ચે) પૂરું થયું છે. ત્યારે તે જાજ્વલ્યમાન ગુજરાતણને સન્માનપૂર્વક સ્મરણાંજલિ ધરતાં ધરતાં તેમના કયા સ્વરૂપને વધુ ઓળખવું તેની વિમાસણમાં પડી જવાય તેવું છે. સમાજસેવક હતાં કે રાજકારણી ? સંસ્થા સ્થાપનારાં જ હતાં કે વિદુષી લેખિકા હતાં ? સ્ત્રીઓ વિશે જ કાર્યરત રહેતાં કે અન્ય જનજૂથોમાં તેમનું કાર્ય વિકસેલું ? પુષ્પાબહેનના જીવન તરફ નજર નાખતાં જ અનેકવિધ કૌશલ ધરાવતી અનેક નિશાનો સાધીને સર કરતી ગૌરવાન્વિત નારી દ્રષ્ટિગોચર થાય છે.

ભારતના પહ્મભૂષણથી નવાજાયેલાં પુષ્પાબહેનને અનેક સન્માન મળ્યાં હતાં. ગુજરાતમાં પૂરાં પચાસ વર્ષથી વધુ જાહેર જીવનમાં કાર્યરત રહેતાં પુષ્પાબહેન ત્યારે કાળા સાડલાવાળા પુષ્પાબહેન તરીકે ઓળખાતાં. કાળો સાડલો અને સફેદ બ્લાઉઝ પસંદ કરેલાં તેનું કારણ તેઓ વિધવા હતાં તે જ ફક્ત નહીં પણ તેઓ માનતાં કે સ્ત્રીએ સમાજકાર્ય કરવા નીકળવું હોય તો તેની રજૂઆતો ગંભીરતાથી લેવાય તે માટે તેણે પોશાક પર ધ્યાન આપવું જોઈએ. પુષ્પાબહેને 1994માં જ્યોતિસંઘમાં જોડાઈને જાહેર કાર્યમાં ઝપલાવ્યું ત્યારે ગાંધીબાપું વિધવાઓના ત્યાગમય જીવનનો મહિમા કરતા હતા, તે સમયે આ પોશાક તેમને સૂઝ્યો હોઈ શકે. ખાદી તો ખરી જ, રંગ વિધવાને સ્વીકાર્ય હોય તેવા.

પણ સ્ત્રીએ પ્રાથમિક રીતે ગૃહિણી થઈને રહેવું તેવું ગાંધીબાપુનું કથન તેમને સમગ્રતામાં સ્વીકાર્ય ન હતું. 1937માં જ્યારે તેમણે ઘરમાં અને કુટુંબમાં અત્યાચારોથી પીડાતી સ્ત્રીઓ માટે આશ્રયગૃહ સ્થાપવાનું નક્કી કર્યું ત્યારે તેમના ચિત્તમાં આ સસ્ત્રીઓને આર્થિક તાકાતથી સમૃદ્ધ કરવાનો વિચાર પણ ચાલતો જ હતો. એક પછી એક વિકાસગૃહો તેમણે સ્થાપ્યાં, 1951 સુધીમાં સાત વિકાસગૃહોની સ્થાપના થઈ ચૂકી હતી. વધુ બે 1960 અને 1079માં સ્થપાયાં. આ દરેકમાં સ્ત્રીઓને કૌશલો શીખવવાનાં આયોજન તેમણે કર્યાં હતાં. 1945 સુધીમાં પુષ્પાબહેને અનેક મહિલામંડળોને ટેકો કર્યો હતો અને તેથી સમસ્ત ગુજરાત સામાજિક મધ્યસ્થ મંડળની સ્થાપના કરી શક્યાં હતાં. સ્ત્રીઓની અનેક સમસ્યાઓનો ઉકેલ શોધતાં કન્યાદાનની પ્રથાનો સખત વિરોધ તેમણે કર્યો હતો. અનેક સભાઓમાં શ્રોતાજનોને કન્યા ચીજવસ્તુ નથી તેનું દાન ન હોય તેમ સમજાવતા. ઘરમાં અને કુટુંબમાં દુ:ખી થતી સ્ત્રીઓને આશ્રય આપવા બનાવેલાં વિકાસગૃહોમાં તેમણે સ્ત્રીશિક્ષણની વ્યવસ્થા કરેલી.

તે સમયે ખૂબ ચર્ચાતા કુંવારી માતાના પ્રશ્નમાં રસ લઈને રાજ્યસભામાં નિયુક્ત સભ્ય હતાં ત્યારે સઘન મહેનત મૂકી સ્ત્રીઓ ગર્ભપાત કરાવે તે કાયદેસર ગણાય તેનો કાયદો કરાવવામાં પુષ્પાબહેન અગ્રણી હતાં. એકવીસમી સદીમાં એ કાયદાનો વિકૃત રીતે ઉપયોગ થશે અને દીકરી જન્મવાની જાણીને ભ્રૂણહત્યા કરનારા તે કાનૂનનો આશ્રય લેશે તેવો તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં આવ્યો હોય ! ગુજરાતમાં સ્ત્રીઓની આત્મહત્યા પર ધ્યાન દેવા જેવું છે એમ રાજ્યકર્તાઓને સમજાવીને તે વિશે 1956માં આપઘાત સમિતિ નિમાવી હતી જેને પરિણાને 1962માં અભ્યાસ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આને લીધે સમસ્ત દેશમાં ગુજરાતમાં જે વધુ સ્ત્રીઓ આત્મહત્યા કરે છે તેવી વાતો ચાલી હતી. જોકે તે અભ્યાસમાં જ જણાવ્યું હતું કે તામિલનાડુ અને રાજસ્થાનમાં આપઘાત કરતી સ્ત્રીઓની સંખ્યા વધુ હતી !

સ્ત્રીઓનાં હામી તો પુષ્પાબહેન હતાં જ, ઉપરાંત તેઓ એક કર્મઠ રાજકાણી પણ હતાં. કોંગ્રેસની મહિલાપાંખના પ્રમુખ, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ, વધુ સન્માન અપાવે તેવી નિમણૂક હતી સૌરાષ્ટ્રની બંધારણસભાના અધ્યક્ષ તરીકેની, ત્યાર પછી તેઓ પ્રજાકીય સરકારમાં શિક્ષણમંત્રી નિમાયાં હતાં. 1952, ’56 અને’ 61માં વિધાનસભાના સભ્ય બન્યાં હતાં અને 1966માં ભારતીય રાજ્યસભામાં સભ્ય તરીકે નિયુક્ત થયા હતાં. 1961થી અનેક વર્ષો સુધી ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ સલાહકાર બોર્ડનાં અધ્યક્ષ રહ્યાં હતાં. રાજકારણી રહીને તેમણે અનેક જનજૂથોને વિવિધ રીતે સહાય કરી હતી.

વેરાવળના પ્રભાસપાટણમાં જન્મેલાં એટલે બાળપણથી જ સૌરાષ્ટ્રના માલધારીઓનો પરિચય પુષ્પાબહેનને હતો. માલધારીઓને ખડ અને પાણી માટે ગીરથી ઓખા અને ઓખાથી ગીર સુધી રઝળવું પડતું તેનાં તેમને સંપૂર્ણ ખ્યાલ અને સમજ હતાં. તેથી દુષ્કાળ સમયે તેમણે માલધારીઓના રઝપાટની હકીકત ઢેબરભાઈ સમક્ષ મૂકી અને તેમની દરમિયાનગીરી મેળવીને પંદર હજાર જેટલા માલધારીઓને જમીન અપાવીને સ્થિર કર્યાં. આ માલધારીઓનાં જીવન તેમણે એવાં તો જાણેલાં કે તેમની જીવનરીતિને આલેખતી હૃદયસ્પર્શી નવલકથા ‘ખડ ખૂટ્યાં’ તેમણે સર્જી. સાહિત્યકૃતિ તરીકે ઉત્તમ લક્ષણો ધરાવતી આ કૃતિ વાંચનાર પર જબરજસ્ત પકડ રાખે તેવી ભાષામાં આલેખાઈ છે. તે વાંચીને નીચે મૂકતાં જરૂર વિચાર આવે કે આ લેખિતાએ વધુ કથાઓ કેમ નહીં આલેખી હોય !

જેમ માલધારીને પોતીકાં ગણ્યાં તેમ 1952માં તેમને જાણવા મળ્યું કે માળિયામિયાણામાં રહેતા સંધીઓ ક્યારે પણ પોતાનું વતમ છોડીને બહાર ન જઈ શકે તેવો હુકમ છે કેમ કે રોજ આખી વસ્તીએ પોલીસમાં હાજરી પુરાવવાની હોય છે. પુષ્પાબહેનને તપાસ કરતાં જાણવા મળ્યું કે બ્રિટિશ સરકારના સમયથી એ કોમને ગુનાહિત પ્રવૃત્તિ કરતી કોમ કરીતે ઓળખાવીને આ હુકમ કરવામાં આવ્યો હતો. પુષ્પાબહેને હુકમ રદ કરાવવા પ્રયત્નો કર્યા પણ કાંઈ વળ્યું નહીં. છેવટે ધારાસભાના સભ્ય તીરકે તેમણે ધારાસભામાં પ્રશ્ન પૂછ્યો કે, ‘વ્યક્તિ ગુનો કરે ત્યારે તેને સજા કરી શકાય, પણ વ્યક્તિ ભિષ્યમાં ગુનો કરશે એવું ધારીને પોલીસની હાજરી કઈ રીતે રાખી શકાય ?’ પ્રશ્નનું પરિણામ મળ્યું. સરકારી તપાસ થઈ અને હુકમ દર થયો. લોકશાહીના રાજકારણી સફળ થયાં. આ વાંચતાં સાંભરે કે શ્રી રવિશંકર મહારાજે પાટણવાડિયાની હાજરી રદ કરાવી હતી !

બહુવિધ વ્યક્તિત્વ ધરાવતાં, ગુજરાતના અનેક પ્રસ્નો સાથે સંકળાયેલાં રહેતાં, અનેક સમસ્યાઓનાં સમાધાન શોધતાં પુષ્પાબહેન મહેતાનું પ્રભાવક વ્યક્તિત્વ ગુજરાતીઓ સંભારતાં રહેશે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

<span>%d</span> bloggers like this: